સોમનાથમાં MLA વિમલ ચુડાસમા સહિત 40 સામે FIRનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમનાથમાં ડિમોલેશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કોળી સમાજના 40 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે વેરાવળમાં તાલુકા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે. તેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 40 લોકો સામેની પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની માંગ કરવામાં આવી છે.
વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બામરોટિયાની આગેવાનીમાં કોંગ્રેસના સિનિયર આગેવાનો જયકર ચોંટાઈ, મહિલા મોરચાના કાજલ લાખાણી સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરતાં રેલી યોજી હતી અને રેલી સ્વરૂપે જ વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રાંત અધિકારી વિનોદ જોશી મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 4 એપ્રિલે સોમનાથ મંદિર નજીક શંખ સર્કલ વિસ્તારમાં ગરીબ લોકોના ઘરોનું ડેમોલિશન કરવામાં આવ્યું હતું. આ સમયે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ ગરીબ લોકોના પ્રતિનિધિ તરીકે તંત્ર સાથે વાતચીત કરવા ગયા હતા. જો કે, જિલ્લા કલેક્ટરના ઇશારે પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે ધારાસભ્ય અને પ્રભાસ પાટણના મોટા કોળીવાડાના પટેલ દિનેશભાઈ બામણીયા સહિત 40 લોકો સામે ખોટી ફરિયાદ નોંધી છે. કોંગ્રેસનું કહેવું છે કે ડેમોલિશનનો કોઈ હુકમ ન હોવા છતાં તંત્રએ કાર્યવાહી કરી હતી. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ ફરિયાદ પાછી નહીં ખેંચવામાં આવે અને સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ગુજરાતભરમાં કોળી સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. સાથે જ ન્યાયતંત્રનો પણ સહારો લેવામાં આવશે.
- Advertisement -