પોરબંદર જિલ્લા કલેકટરનો રાજકીય ભોગ લેવાયાની શહેરભરમાં ચર્ચા
ગુજરાતમાં અધિકારીઓ બદલીઓ કરવામાં આવી છે. પોરબંદરના કલેક્ટર તરીકે કાબિલેદાદ કામગીરી કરનારા કે.ડી. લાખાણીની બદલી કરીને તેમને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. તેઓ પોરબંદર માટે હંમેશાં પ્રિય અને લોકપ્રિય અધિકારી રહ્યા છે. તેમના સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.ડી.ઓ. એસ. ડી. ધાનાણી પોરબંદરના નવા કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે.કે.ડી. લાખાણીએ પોરબંદર જિલ્લાના વિકાસમાં મહાન કાર્ય કર્યુ છે.
ગયા મહિને, જ્યારે પોરબંદરમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હતો, ત્યારે તેમણે ઝડપથી તંત્ર દ્વારા શેલ્ટર હાઉસ ઉભા કરી લોકોને આશ્રય, ભોજન અને અન્ય મદદ પૂરી પાડી હતી. ઉપરાંત, શહેરમાં પાણીની સમસ્યાઓને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ કમી રાખવામાં આવી નહોતી. સાંધિયા ગટર પર ખડકી દેવાયેલા દબાણો હટાવી, વરસાદી પાણીના નિકાલ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ગેરકાયદે ખાણમાફિયાઓ સામે પણ કડક કાર્યવાહી કરી, ખનિજચોરીને રોકવામાં સફળતા મળી હતી. આ તમામ કામગીરીઓથી લાખાણી જિલ્લામાં ખૂબ લોકપ્રિય બની ગયા હતા. હવે, પોરબંદરના નવા કલેક્ટર તરીકે એસ. ડી. ધાનાણીની નિયુક્તિ થયેલ છે. તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીડીઓ તરીકે સારી કામગીરી કરી છે અને તેઓ પાસેથી પોરબંદરના લોકો પણ સારા કામની અપેક્ષા રાખી રહ્યા છે.