અલગ અલગ સ્લોગન સાથે ખાડા ફરતે રાસ રમી ‘એક વૃક્ષ સરકાર કે નામ’ બેનર સાથે ખાડામાં કર્યું વૃક્ષારોપણ
ખાસ-ખબર ન્યૂઝ ધોરાજી
ધોરાજીમાં રાજકોટ જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે આ વરસાદ અને ચોમાસાની સિઝનમાં ધોરાજી શહેરના ઘણા ખરા વિસ્તારોના મુખ્ય રસ્તાઓ અને અન્ય રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ચૂક્યા છે ત્યારે આ ખરાબ રસ્તાને લઈને રાહદારીઓ વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે અને સાથે સાથે જ ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકની સમસ્યા તેમ જ લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે ત્યારે લોકોની આ સમસ્યાને લઈને ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તા અને ખાડાના સામ્રાજ્યને લઈને અનોખો વિરોધી યોજી અને જવાબદાર તંત્રને સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
ધોરાજી શહેરમાં ખરાબ થયેલા રસ્તાની અંદર પડેલા ખાડાઓમાં ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી શહેરમાં પડેલા ખાડાઓની ફરતે કુંડાળું કરી કોંગ્રેસ આગેવાનો રાસ રમ્યા હતા અને આ રાસની સાથે સાથે ‘અંધેરી નગરી અને ગંડુ રાજ, ધોરાજી શહેરમાં મસ્ત મોટા ખાડા’ જેવા ગીતો રાસ રમતા રમતા ગાવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી તકલીફની સામે કોંગ્રેસ આગેવાનોએ જવાબદાર તંત્રને જગાડવા માટે ખાડાઓની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ‘એક વૃક્ષ સરકાર કે’ નામ બેનર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ વૃક્ષારોપણ કર્યા બાદ રામધૂન પણ કોંગ્રેસના આગેવાનોએ બોલાવી હતી.