ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કાળવાનું વધારાનું પાણી ચેકડેમ બનાવી કબુતરી ખાણમાં જતું રોકયુ ને તકલીફ વધી એ શીર્ષક હેઠળ સમાચારો અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.તે અંગે જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ સ્પષ્ટતા મુજબ જૂનાગઢ ખાતે આવેલ પોલીસ ટ્રેનિંગ કોલેજની સરકારી જમીનમાં કબૂતરી ખાણ વિસ્તાર આવેલ છે.જે વિસ્તારમાં નવો ચેક ડેમ બનાવવા બાબતે ધારાસભ્યશ્રી તથા રેન્જ આઈ.જી.પી જૂનાગઢ દ્વારા અત્રેની જગ્યાએ ખાસ કિસ્સામાં નવો ચેક ડેમ બનાવવા માટે ભલામણ થયેલ હતી. જે બાબતે નિયમો અનુસાર જરૂરી મંજૂરી કાર્યવાહી કરી ચેક ડેમ બનાવેલ છે.કાળવા વોંકળાનું પાણી ડાબી બાજુ એક નાની સ્ટ્રીમમાં કબૂતરી ખાણ વિસ્તાર તરફ વર્ષોથી ડાયવર્ટ કરાયેલ છે. તે પહેલા બધા જ પાણીનું વહન માત્ર કાળવા વોંકળામાં થતું હતું. ત્યારે જૂનાગઢમાં કોઈ પૂરની પરિસ્થિતિ સર્જાયેલ ન હતી.
કબુતરી ખાણ વિસ્તાર તરફ ડાયવર્ટ થયેલ વિસ્તારમાં પાણીનો સ્ટોરેજ વધે અને તાંત્રિક રીતે કોઈ અડચણ ન થાય તેને ધ્યાને લીધા બાદ ડિટેઈલ સર્વે કરી અને ડિઝાઇન મંજૂર કરી અત્રેના વિભાગ દ્વારા નિયમો અનુસાર ચેકડેમ બનાવેલો છે.જે જગ્યાએથી કાળવા વોંકળાનું પાણી ડાબી બાજુ એક નાની સ્ટ્રીમમાં કબૂતરી ખાણ વિસ્તાર તરફ ડાયવર્ટ થયેલ છે. તેની પહોળાઈની સાપેક્ષે ચેનલમાંથી કુલ પ્રવાહના વધુમાં વધુ આશરે 20 ટકા જેટલો જ પ્રવાહ પસાર થાય છે. જેથી 80 ટકા પાણી કબુતરી વિસ્તારમાં જતી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી.
કબુતરી ખાણ ચેકડેમથી જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ એ વાત પાયાવિહોણી: ઈજનેર
