બીજા રાઉન્ડમાં ઓકશનમાં 3.85 લાખ ટન ઘઉંનું વેંચાણ: ખુલ્લા બજારમાં ભાવ સડસડાટ કરતાં નીચા આવવા લાગ્યા
મોંઘવારીને કાબુમાં લેવા અને ઘઉંના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે 900 કરોડ રૂપિયાનાં ઘઉંનુ વેંચાણ કર્યુ છે. ગઈકાલે 3.85 લાખ ટન ઘઉં 901 કરોડમાં વેંચવામાં આવ્યા હતા. ભારતમાં ફૂગાવાનો દર બે મહિના બાદ 6 ટકાથી ઉંચે પહોંચી ગયો છે ત્યારે કેન્દ્ર સરકારનું આ પગલુ ઘણુ મહત્વનું બની રહે છે. જાન્યુઆરીમાં રીટેલ ફૂગાવાનો દર 6.52 ટકાએ પહોંચ્યો હતો.
- Advertisement -
જે ડિસેમ્બરમાં 5.72 ટકાની સરખામણીએ નોંધપાત્ર વૃધ્ધિ સૂચવતો હતો.કેન્દ્રનાં ગ્રાહક બાબતોનાં મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્ફયું હતું કે દેશમાં ઘઉં અને આટાના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો.માર્ચનાં બીજા સપ્તાહ સુધી ઈ-ઓકશન મારફત તબકકાવાર વેંચાણ કરવામાં આવનાર છે.ગઈકાલે બીજા ઈ-ઓકશનમાં 3.85 લાખ ટન ઘઉં 901 કરોડમાં વેંચવામાં આવ્યા હતા.ચાલુ વર્ષે ભાવ સતત ઉંચા રહ્યા હતા.હવે સરકારે વેંચાણ શરૂ કરતાં છેલ્લા 15 દિવસમાં ઘઉં તથા ચાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
જાન્યુઆરી મહિનામાં ફુગાવો ઉંચો રહેવા છતાં શાકભાજીનાં ભાવ ઘટયા છે.ડિસેમ્બરમાં 15.08 ટકા હતા તે ઘટીને 11.7 ટકા થયા છે. દુધ, ખાદ્યતેલો, દુધની બનાવટો વગેરે ચીજો મોંઘી થવાને કારણે ફુગાવા પર ભારણ વર્તાયુ છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોઈપણ ચીજની તેજી રોકવા માટે કેન્દ્ર સરકાર બફર્સ સ્ટોક ઉભો કરતી હોય છે.ઘઉંમાં પણ ઉંચા ભાવને કાબુમાં લેવા માટે કુલ ઉત્પાદનનાં 2.6 ટકાનુ વેંચાણ નકકી કરવામાં આવ્યુ છે. ચાલુ વર્ષે ઘઉંનુ ઉત્પાદન પણ રેકોર્ડબ્રેક થવાનું છે. ત્યારે સરકાર જુનો માલ વેચીને નવો લઈ શકશે.
યુક્રેન-રશિયા યુધ્ધ વખતથી ઘઉંના ભાવ ઉંચકાયા હતા સરકારે નિકાસબંધી લાગુ કરી હતી. ચાલુ વર્ષે પણ નિકાસમાં છુટછાટ આપવામાં આવે તેવી શકયતા ઓછી છે. એચડીએફસી બેંકના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી સામેની લડાઈ હજુ ખત્મ થઈ નથી. ઘઉંના ભાવ ઘટયા છે તથા હજુ આવતા દિવસોમાં ફૂગાવો કાબુમાં આવી શકે તેમ નથી. કઠોળ સહિતની અન્ય સંખ્યાબંધ ચીજો મોંઘી છે અને સરકારે તે પડકારનો સામનો કરવાનો રહે છે.ખાદ્યચીજોનો ફૂગાવો ડીસેમ્બરનાં 4.58 ટકાની સામે જાન્યુઆરીમાં 6.19 ટકા નોંધાયો હતો તે સૂચક છે.