પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું : મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી ભવ્ય પાલખી યાત્રા યોજાઈ
વર્ષમાં માત્ર બે વાર સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કઢાતાં આભૂષણોઃ દર્શન માટે હજારો માઈભક્તો ઉમટી પડ્યા
- Advertisement -
વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1839માં અર્પણ કર્યો હતો અમૂલ્ય હાર
પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે વિજયાદશમીના પાવન અવસરે પરંપરાગત ભક્તિભાવ સાથે માતાજીને ₹૩૦૦ કરોડથી વધુની વર્તમાન કિંમત ધરાવતો અતિ મૂલ્યવાન ઐતિહાસિક ‘નવલખો હાર’ પરિધાન કરાવવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેમજ ગાયકવાડ શાસનકાળની પ્રાચીન પરંપરા અનુસાર મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ અલૌકિક દર્શનનો લાભ લેવા રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ હાર પાછળ ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડને હર્નિયા (પાઠાનો રોગ) મટતાં તેમણે ઈ.સ. ૧૮૩૯માં આ અમૂલ્ય હાર માતાજીના ચરણોમાં ભેટ ધર્યો હતો. તે સમયે આ હારનું મૂલ્ય નવ લાખ રૂપિયા હોવાથી તેનું નામ ‘નવલખો હાર’ પડ્યું હતું, જેની આજના બજારભાવ મુજબ કિંમત ₹૩00 કરોડથી વધુ આંકવામાં આવે છે. લીલા, વાદળી અને સફેદ નીલમથી જડિત આ હાર ગુજરાતના મંદિરોમાં ચડેલી સૌથી કિંમતી ભેટ પૈકીનો એક ગણાય છે. ઉલ્લેખનીય છે કે, ચાર બુરજ અને ત્રણ વિશાળ દ્વાર ધરાવતા આ ભવ્ય કિલ્લાવાળા મંદિરનું નિર્માણ પણ ઈ.સ. ૧૭૮૩માં માનાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. કરોડો રૂપિયાની કિંમત ધરાવતા આ હાર અને અન્ય રાજવી આભૂષણોની સુરક્ષા માટે વર્ષ દરમિયાન તેને ચુસ્ત પોલીસ પહેરા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં સાચવી રાખવામાં આવે છે. વર્ષમાં માત્ર બે વખત (દશેરા અને બેસતા વર્ષે) ત્રણ ઉચ્ચ વહીવટી પ્રત્યક્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં કડક સુરક્ષા વચ્ચે આ હાર બહાર કાઢવામાં આવે છે અને માતાજીને શણગારવામાં આવે છે. મંદિરમાં ગાદી સ્થાનકે ગાયકવાડ સરકાર દ્વારા નિયુક્ત પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના સંપન્ન કરાઈ હતી. દશેરાના પાવન પર્વે પોલીસ સલામી, પાલખી યાત્રા અને અલૌકિક નવલખા હારના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.




