શાળા નં. 88નું કૌભાંડ અને બાલમંદિરની ગરબડ જગજાહેર છે, તપાસનું નાટક બંધ થવું જોઈએ
અલ્પના મિત્રાને ત્યાંથી ઢગલાબંધ ફાઈલો મળી, ગેરકાયદે કામકાજ ચાલું હતું: બધું સ્પષ્ટ છે, તપાસ શાની?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારે નિયમ વિરૂદ્ધ શાળા બિલ્ડિંગો પરત કરવામાં આચરેલાં કૌભાંડો અંગે મીડિયાએ એકાદ મહિના પહેલાં ખૂબ લખ્યું હતું. એ સમયે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહાનગરપાલિકાના કમિશનર દેસાઈને આ કૌભાંડ અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી અને કમિશનરે તપાસ તત્કાળ કરાવવા ખાતરી આપી હતી. એ પછી તપાસનું નાટક પણ ચાલ્યું હતું. આ નાટક પર ક્યારે પરદો પડી ગયો એ કોઈ જાણતું નથી.
પગલાં લેનારાનાં મોઢા લાલ હોય. તેમણે તપાસનાં નાટક કરવાની જરૂર જ ન હોય. આખું શહેર કહે છે કે, મિત્રા અને પુજારાને કશું જ થશે તો પૈસા પરની લોકોની શ્રદ્ધા ઉઠી જશે. હા! અલ્પના મિત્રાનું શું થયું? એ જ- જે પુજારા અને પરમારમાં થયું. કશું જ નહીં.
રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના નિવાસસ્થાને વિજિલન્સ શાખાની રેઈડમાં તારીખ 5 ઓગસ્ટે ચાલીસેક ફાઈલો મળી આવી હતી અને કોર્પોરેશનના કર્મચારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતાં. ઝાઝી કોઈ તપાસની જરૂર ન હતી. મિત્રા વિરૂદ્ધ ત્યારે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે તેમ હતું. છતાં તપાસનો ખેલ શરૂ થયો. બે અધિકારીઓને જાંચ સોંપાઈ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ જો ખરેખર આ મામલાનો તાગ મેળવવા માંગતા હોય તો ઊચ્ચ કક્ષાએથી તેની તપાસ જરૂરી હતી, એન્ટી કરપ્શન બ્યૂરોએ પણ તેમાં ઝૂકાવવાની જરૂર હતી. કશું જ ન થયું. થશે પણ નહીં.
શહેર આખું જાણે છે કે, અલ્પના મિત્રાની આવાસ યોજનામાં પણ શંકાસ્પદ ભૂમિકા રહી છે. ચાલીસ ફાઈલો મળ્યાં પછી આવાસ યોજનાની ગેરરીતિ અંગે પણ તપાસ થવી જોઈતી હતી. નથી થઈ. થશે પણ નહીં. ટૂંકમાં કહીએ તો ટીઆરપી હત્યાકાંડ અને સાગઠિયા પ્રકરણ પછી પણ કોઈએ ધડો લીધો નથી.
- Advertisement -