ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જોષીપરાના અંડરબ્રીજમાં છેલ્લા ભારે વરસાદ બાદ 8 દિવસથી પાણી ભરાયેલુ રહેતા ત્યાના સ્થાનિક લોકો અને વાહન ચાલકો યાતના વેઠી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આજથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા મહાનગરપાલિકા સફાળુ જાગ્યુ હતુ. અને મોડી રાતથી જ અંડરબ્રીજના ભરાયેલા પાણીને નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અને અંડરબ્રીજમાંથી ફરી વાહન વ્યવહાર પૂર્વરત થાય તે માટે તાત્કાલી ધોરણે મશીનરી લગાડીને પાણી ઉલેચવાનું શરૂ કર્યુ હતુ. છેલ્લા 8 દિવસથી અંડરબ્રીજમાં પાણી ઉલેચવામાં મનપા તંત્ર નિષ્ફળ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અંતે આંદોલનની ચિમકી બાદ પાણી ઉલેચવાની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.