રાવકીમાં 15 કરોડ અને યુનિવર્સિટી રોડ પર 70 કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ જિલ્લા કલેકટરે દરેક મામલતદારોને સરકારી જમીનો ઉપરનાં દબાણો હટાવી દેવા આદેશ કર્યા છે જેનાં પગલે છેલ્લા કેટલાંક દિવસોથી જિલ્લાનાં દરેક મામલતદારો દ્વારા સરકારી જમીનો ઉપરનાં દબાણો શોધી અને દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી. ત્યારે ગઈકાલે અને આજે એમ 2 દિવસમાં રાજકોટ જિલ્લા રેવન્યુ તંત્રએ બે ડિમોલીશન હાથ ધરી 85 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી દીધી છે.રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર દબાણના કિસ્સાઓમાં નોટિસો બાદ પણ જે દબાણકર્તાઓએ સ્વૈચ્છીક રીતે દબાણો હટાવ્યા ન હતા તેવી સરકારી જમીનો ઉપરનાં દબાણો ઉપર રેવન્યુ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાનો દૌર શરુ કરી દેવાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની જમીનો દબાણ મુક્ત કરાવી દેવાઈ છે. ગઈકાલે લોધીકાનાં રાવકીમાં 15 કરોડની તથા આજરોજ યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પિટલ સામેની આજે 70 કરોડની રૈયા સર્વે નં.318ની સરકારી જમીન પણ દબાણ મુક્ત કરાઈ હતી.
- Advertisement -
આ અંગેની પશ્ચિમ મામલતદાર કચેરીનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રૈયા સર્વે નં.318ની 12 હજાર ચો.મી. જમીન કે જેની અંદાજીત કિંમત 70 કરોડ થવા જાય છે. તેની ઉપર મનસુખ પરમાર નામના દબાણકર્તાએ છેલ્લા ઘણા સમયથી વંડો-મકાનનાં દબાણો ખડકી દીધા હતા. આ દબાણકર્તાને મામલતદાર શુકલાએ અગાઉ નોટિસ પણ ફટકારી હતી. આમ છતાં આ દબાણ નહી હટાવાતા આજે મામલતદારે દબાણ ઉપર બુલડોઝર ફેરવી દઈ કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવી દીધી હતી.