ઊનામાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
ઉના-કેસરીયા માર્ગ પર સોનારી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન રોકાવેલી છકડા રિક્ષાની પાછળ બાઈક ધડાકાભેર અથડાતાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતક અલ્પેશભાઈ દેવશીભાઈ ચારણીયા અને તેના મિત્રો વિજય બટુકભાઈ બારૈયા તથા રાહુલ મશરીભાઈ મકવાણા (રહે. કાજરડી) કોડીનારના ડોળાસા ગામે મજૂરી કામે જઈ રહ્યા હતા. દરમિયાન, સોનારી ગામ પાસે ટ્રાફિક પોલીસે છકડા રિક્ષાને રોકાવતાં પાછળથી આવતું બાઈક તેની સાથે અથડાયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક અલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં ઉના પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.