79 ગુનાઓમાં ખુનની કોશીષ, રાયોટિંગ અને પોલીસ પર હુમલાના પણ ગુના સામેલ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં સંગઠિત ગુનાઓનું ષડયંત્ર રચી શહેરી જનજાગૃતિને પડકાર ફેંકતી કુખ્યાત ભોળા ગેંગ વિરુદ્ધ હવે પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે. પોરબંદર એલ.સી.બી. દ્વારા ભાણવડ તાલુકાના રાણપર ગામના ગુનાખોરી ઇતિહાસ ધરાવતા બધા ભોરા શામળા અને તેની ટોળકી વિરુદ્ધ હવે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોરબંદર એલસીબી દ્વારા મિયાણી મરીન પોલીસ મથકે તા. 16 જૂન, 2025ના રોજ દારૂના ગુનામાં ધરપકડ કરાયેલ બધા ભોળા શામળા વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પૂર્વે નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓના આધાર પર એલસીબી પીઆઇ કાંબરિયા તથા ટીમે ગુનાખોરી ઇતિહાસ ઊંડાણપૂર્વક છણાવટ કરતાં ખુલાસો થયો કે આરોપી ભોળાએ દારૂના કારોબારના આવકના આધારે ટોળકી બનાવી અને વિવિધ પ્રકારના ગુનાઓ અંજામ આપ્યા છે.
- Advertisement -
આ સંગઠિત ગેંગના લીડર બધા ભોળા શામળા સહિતના સાગરિતોએ દારૂના ધંધાથી યુવાનોને નશાના રવાડે ચડાવી લલચાવવાનું માધ્યમ બનાવી ગુનાખોરી માટે ઉપયોગ કર્યો હતો. તેમના વિરુદ્ધ નોંધાયેલા 79 ગુનાઓમાં ગંભીર ગુનાઓ જેવી કે ખુનની કોશીશ,મહાવ્યથા અને સ્વૈચ્છિક ઇજા પહોંચાડવી, રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલો આવાં ગુનાઓને અંજામ આપી સ્થાનિક પ્રજામાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. એટલું જ નહીં, લોકો ગેંગ સામે ફરિયાદ કરવાની પણ હિંમત ન કરી શકતા. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા આ ગેંગ વિરુદ્ધ ૠઞઉંઈઝઘઈ હેઠળ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને એલસીબી દ્વારા તમામ પુરાવા અને ટોળકીના ગુનાખોરી ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સમક્ષ મંજૂરી માટે રજુઆત કરાઈ હતી. મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તરફથી મંજૂરી મળ્યા બાદ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. ને સોંપવામાં આવી છે.
ગેંગના મુખ્ય સભ્યો અને તેમના વિરુદ્ધના ગુનાઓ
બધા ભોરા શામળા – 35 ગુનાઓ
અર્જન આલા કોડીયાતર – 31 ગુનાઓ
મેરામણ ગોગન કટારા – 11 ગુનાઓ
કરમણ જગા કોડીયાતર – 11 ગુનાઓ
ધાના આભા કોડીયાતર – 9 ગુનાઓ
પોપટ પાલા હુણ – 8 ગુનાઓ
વેજા ભોરા શામળા – 7 ગુનાઓ