ખાસ-ખબર સંવાદદાતા
છત્તીસગઢમાં પ્રથમ તબક્કા હેઠળ યોજાયેલ 20 વિધાનસભા બેઠકો માટે થયેલ ચૂંટણીમાં લગભગ 71 ટકા મતદાન થયું છે. નકસલી હિંસા અને ચૂંટણીના બહિષ્કાર વચ્ચે ભારે સુરક્ષા સાથે આજનું મતદાન પૂર્ણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે દસ બેઠકો માટે મતદાનનો સમય સવારે સાત થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો હતો. જ્યારે અન્ય દસ બેઠકો પર મતદાનનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હતો. નકસલવાદ અસરગ્રસ્ત બસ્તર વિસ્તારમાં મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રથમ તબક્કાના મતદાન માટે એક લાખથી વધારે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં. આજે યોજાયેલ 20 બેઠકો પૈકી 12 બેઠકો એસટી માટે અનામત હતી. આજે 25 મહિલાઓ સહિત 223 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. આજના મતદાન પછી પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા રમણ સિંહ, છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ દીપક બૈજ અને ભૂપેશ બઘેલ કેબિનેટના ત્રણ પ્રધાનોનું ઇવીએમમાં સીલ થઇ ગયું છે.
આજના મતદાન વચ્ચે સુકમા, નારાયણપુર, બીજાપુર અને કાંકેર જિલ્લાઓમાં હિંસા થઇ હતી. આ દરમિયાન સુકમા જિલ્લામાં નકસલવાદીઓ સાથેની અથડામણમાં ચાર સુરક્ષા જવાનો ઘાયલ થયા છે. બીજી તરફ મિઝોરમમાં આજે વિધાનસભાની તમામ 40 બેઠકો પર મતદાન થયું હતું. 6 વાગ્યા સુધીમાં આશરે 77 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે 2018ની ચૂંટણીમાં 81.61 ટકા મતદાન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મિઝોરમમાં મતદાન એકંદરે શાંત રહ્યું હતું. 18 મહિલાઓ સહિત 174 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 1276 મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી હતી.
નક્સલી હિંસા વચ્ચે છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 71% મતદાન
