ઇન્વેસ્ટીગેશન વિંગના એડિશનલ ડાયરેકટરના માર્ગદર્શન હેઠળ રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ સહિતના 25થી વધુ સ્થળોએ દરોડા
કરચોરી કરતાં સોની વેપારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટનો માહોલ, બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વહેલી સવારથી ઈંઝ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંનેના બંગલા અને શોરૂમ સહિત આશરે 25 જેટલાં સ્થળે આઇટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈને કરચોરી કરતા સોની વેપારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે સાત વાગ્યાથી ઈંઝ વિભાગની અલગ-અલગ ટીમો રાજકોટમાં ત્રાટકી છે. જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ પર સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ, અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ પર તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફ્લેટ અને પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
- Advertisement -
સાથે એટલાન્ટિસ એપાર્ટમેન્ટના આઠમા માળે ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ અને હરેશભાઈ બાબરાવાળાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે પંચવટી પાસે આવેલા એક ફ્લેટમાં પણ ઇન્કવાયરી ચાલી રહી હોવાનું આઇટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. આ ઉપરાંત રાધિકા જ્વેલર્સના કોલકાતા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાધિકા જ્વેલર્સના માલિકે તાજેતરમાં જ કાલાવડ રોડ પર શો રૂમ બનાવ્યો છે.