જસદણમાં એક ચીટર યુવતી અને યુવક વિવિધ વિસ્તારોમાં બાઈક લઈને નીકળ્યા હતા અને અનેક વેપારીઓની નજર ચૂકવી રૂપિયા સેરવી ગયા હતા. આ બંટી-બબલી ગ્રાહક બનીને વેપારી પાસેથી ચીજવસ્તુ ખરીદવાના નામે વાર્તાલાપ કરી વેપારીની નજર ચૂકવી રૂપિયા સેરવી રફુચક્કર થઈ ગયા હતા. બંટી-બબલીની કળાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં જાહેર થતા જસદણના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
આ બન્ને ગ્રાહક બની વેપારીની દુકાને ઉભા રહેતા હતા અને ચીજવસ્તુઓનો ભાવ પૂછી રૂ.2000 ની નોટ દેખાડી જે તે ચીજવસ્તુ ખરીદ કરી રૂ.2000 પાછા ખીસ્સામાં નાંખી બાકીના વધતા રૂપિયા વેપારી પાસેથી લઈ રફુચક્કર થઈ ગયા હતા. વેપારીની આંખ ઉઘડતા આ બંટી-બબલીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. આ બંટી-બબલીએ જસદણના અનેક વેપારીઓને નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


