ચાલુ વર્ષે યોજાનારી 9 રાજયોની વિધાનસભા ચૂંટણી તથા 2024ની લોકસભા ચૂંટણી માટે મીશન ‘વી’ શરૂ
ગુજરાતમાં ભવ્ય વિજય અને હિમાચલમાં સતા પરાજયના વાતાવરણ વચ્ચે આગામી તા.16-17 ના રોજ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ અંગે પણ નિર્ણય લેવાશે. આ વર્ષ પક્ષ માટે ઉતર-મધ્ય અને દક્ષિણ ભારતના 9 રાજયોની ધારાસભા ચૂંટણીઓનો સામનો કરવાનો છે અને ખાસ કરીને મીશન 2024 પુર્વે પક્ષને હવે સરકાર તથા સંગઠનમાં લાંબાગાળાના ફેરફારની આખરી તક છે તેથી દિલ્હી કારોબારી પક્ષ માટે અત્યંત મહત્વની છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી અને આ વર્ષે યોજાનારી ધારાસભા ચૂંટણીઓમાં શકય તેટલા રાજયોમાં એકલા હાથે લડવાની વ્યુહરચના અપનાવી છે
- Advertisement -
નવા રાષ્ટ્રીય પ્રમુખ કે નડ્ડાનો કાર્યકાળ વધશે! સંગઠન ફેરફારની પણ ચર્ચા થશે
અને લોકસભામાં 300+ બેઠકોનો દબદબો જાળવવા ઉપરાંત 350 બેઠકોનો લક્ષ્યાંક છે તો આ વર્ષે ઉતરપુર્વના રાજયો ઉપરાંત વર્ષના મધ્યમાં પહેલા કર્ણાટક અને બાદમાં તેલંગાણા અને અંતે રાજસ્થાન, છતીસગઢ અને મધ્યપ્રદેશની ધારાસભા ચૂંટણીઓમાં જવાનું છે જયાં તેનો મુખ્ય મુકાબલો દક્ષિણમાં પ્રાદેશિક પક્ષો અને અન્ય રાજયોમાં કોંગ્રેસ સામે છે. આ સ્થિતિમાં હવે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારાય છે કે પછી કોઈ નવા ચહેરાને જવાબદારી સોપાય છે તેના પર સૌની નજર છે. શ્રી નડ્ડાનો કાર્યકાળ આ માસમાં પુર્ણ થઈ રહ્યો છે અને તેઓના ત્રણ વર્ષમાં ભાજપને કોઈ મોટી સફળતામાં તેમનું યોગદાન એ પ્રશ્ન છે.
ગુજરાતમાં જીત એ મોદી-શાહના હોમ સ્ટેટ તથા ભાજપના ગઢનો પ્રભાવ છે પણ પક્ષે હિમાચલ પ્રદેશ જે જે.પી.નડ્ડાનું હોમ સ્ટેટ છે તે પણ ગુમાવ્યું છે અને નડ્ડા તેમના લોકસભા મતક્ષેત્રમાં પણ ભાજપને વિજેતા બનાવી શકયા નથી પણ હવે નડ્ડાને બીજી ટર્મ અપાય તેવા સંકેત છે. નવ રાજયો અને લોકસભા ચૂંટણીનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંભાળી જ લીધુ છે અને તેઓ કર્ણાટકમાં બે દિવસ કેમ્પ કરી આવ્યા છે. ઉપરાંત 2024માં નબળી ગણાતી 160 લોકસભા બેઠકો પર પણ શ્રી શાહે પક્ષની તાકાત કેન્દ્રીત કરી છે તેથી જે.પી.નડ્ડાને યથાવત રાખી હાલ શ્રી શાહ જ સંગઠન- ચૂંટણી સરકારમાં પ્રભાવી રહેશે તેવા સંકેત છે.