-ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતની દિશામાં ઇ-ચલણ સંદર્ભે બેઠક
-ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને પોલીસ વિભાગના ભાવી ડિજિટલ પ્રોજેકટ વિશે વિગતવાર માહિતી આપી
- Advertisement -
પંદરમી વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા બાદ નવા મંત્રીમંડળે શપથ લઇ ગત રોજ પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો. વિકાસના મુળ મંત્ર સાથે કાર્યરત સરકાર દ્વારા પ્રથમ દિવસથી જ લોકોપયોગી નિર્ણયો લેવાની શરૂઆત કરી હતી. રાજ્યના ગૃહમંત્રી તરીકે બીજી વખત જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીએ પોલીસ વિભાગની ડિજિટલ કામગીરી, ઇ-ચલણ તેમજ પોલીસ વિભાગની અન્ય કામગીરીઓ બાબત સમીક્ષા બેઠક યોજી હતી.
ભારત અને ગુજરાત ડિજિટલ ક્ષેત્રે હરણ ફાળ ભરી રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસ પણ ઓનલાઈન સેવાઓમાં કઇ રીતે વધુ સુગમ અને પ્રજાલક્ષી કાર્ય કરી શકે તે બાબત આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઇ-ચલણમાં અનપેઇડ રીકવરી વધારવા વન નેશન વન ચલણ” અંતર્ગત નિર્ણય લેવા, ઇન્ટરસેપ્ટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવા આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઇ બાબતે, સાયબર કાઇમ, શી- ટીમ તેમજ ડ્રગ્સ જાગૃતિ અંગે 100 દિવસની અવધિમાં ઝુંબેશ ચલાવવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
પોલીસ કર્મચારીઓ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષની રચના થાય તેમજ પોલીસ બેન્ડને અદ્યતન બનાવવાની સાથે દરેક જિલ્લામાં પોલીસ બેન્ડની રચના થાય અને ટેલેન્ટેડ કર્મચારીઓ – અધિકારીઓ તેમાં સામેલ થાય તેવા પ્રયત્નો કરવા અને પોલીસ બેન્ડને પોલીસ બ્રાન્ડ બનાવવા બાબત પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુચનો કર્યા હતા.
ગુજરાત પોલીસમાં સામેલ પારંપરીક કેમલ ફોર્સને મજબૂત કરી તેનુ સવર્ધન કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગૃહ મંત્રાલયની મુલાકાતે પહોંચ્યા હતા જે દરમ્યાન પોલીસ વિભાગના ભાવી ડિજિટલ પ્રોજેકટ સંદર્ભે ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ બેઠક યોજીને ગૃહ વિભાગની કામગીરીને વેગ આપવા બદલ મુખ્યમંત્રીએ ગૃહમંત્રીની કામગીરીને બિરદાવી હતી.