ખાસ-ખબર સંવાદદાતા
ગત બે વર્ષ દરમિયાન કોરોના મહામારીની તબક્કાવાર ત્રણ લહેર આવતા વેવિશાળ, લગ્ન કે ધાર્મિક ઉજવણી કરવામાં તો આવી, પણ સંયમ સાથે. ક્યાંક નિયત સંખ્યા તો ક્યાંક આર્થિક સંકડામણ કારણભૂત રહી. ચૂંટણી અને લગ્નસરાની સીઝન પૂર બહાર ખીલતા ભર શિયાળે ફૂલ બજારમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં વિદેશી ફૂલનાં બુકેની ડિમાન્ડમાં ખૂબ વધારો થયો છે. તેની સાથે ભાવમાં ખાસ્સો ઉછાળો આવવા છતાં આવા ફૂલ ખરીદવા લોકોની લાઈનો લાગી રહી છે. જેને લઈ હાલ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઇ રહ્યો છે. ફૂલ બજારનાં વેપારીઓનાં જણાવ્યા મુજબ, હાલમાં એકતરફ લગ્નગાળો અને બીજીતરફ ચૂંટણીને કારણે સામાન્ય દિવસો કરતા ફુલોના વેંચાણમાં મોટો વધારો નોંધાયો છે. રાજકોટની ફુલ બજારમાં રૂ. 40 થી લઈ રૂ. 2000નાં કિલો સુધીના ફૂલ વેચાય છે. સામાન્ય દિવસોમાં દરરોજ 200 થી 500 કિલો ફુલનો વેપાર થાય છે. જ્યારે ચૂંટણી અને લગ્ન ગાળાના લીધે હાલ 1500 થી 2000 કિલો ફૂલ વેંચાઈ રહ્યા છે. ભાવમાં ખાસ્સો વધારો થયો હોવા છતાં લોકો ફૂલ ખરીદવા તૈયાર છે.