બે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે ગઈકાલે બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ધાંગધ્રા તાલુકાના રામપરા ગામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી સાંજે હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જવાના રોડ પર ચોટીલાના રહેવાસી કેતનભાઇ ગગજીભાઈ જાદવ અને ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે રહેતા મોહનભાઈ માવજીભાઈ ઝાલા (ઉં.વ. 25) ના બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોહનભાઈ માવજીભાઈ ઝાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કેતનભાઇ ગગજીભાઈ જાદવ રહે. ચોટીલા અને પીન્ટુભાઇ ભુપતભાઈ ઝાલા રહે. રામપરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ હળવદ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા જ્યારે બનાવને પગલે હળવદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતક મોહનભાઈના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.