રાજકોટના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ શહેર કરતા વધુ ગંભીર બનતા રેડ ઝોનમાં મુકાયું
જન્મ સમયે 2500 ગ્રામથી વધુ વજન હોય તો તે સ્વસ્થ અને 1800 ગ્રામથી ઓછું વજન હોય તો લો બર્થ વેઈટ ગણાય
- Advertisement -
રાજકોટ હાલ બાળકોના કુપોષણ સામે લડી રહ્યું છે તાજેતરમાં જ મનપા સંચાલિત આંગણવાડીઓ મારફત કુપોષિત બાળકોનો સરવે કરીને તેને પોષણ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી પણ પૂરો આંક જોઈએ તો શહેરમાં 6000થી વધુ કુપોષિત બાળકો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં 6218 જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 6471 બાળક અતિકુપોષિત શ્રેણીમાં મુકાયા છે. ચાલુ નાણાકીય વર્ષના આ આંક મુજબ રાજકોટ શહરે અને જિલ્લાને રેડ ઝોનમાં મુકાયા છે. જ્યારે બીજી તરફ લો બર્થ વેઈટ એટલે કે 1.8 કિલો કરતા ઓછા વજન સાથે જન્મેલા શિશુઓની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ જિલ્લામાં 6 મહિનામાં 2029 બાળક ઓછા વજન સાથે જન્મ્યા છે. આ કારણે રાજકોટ જિલ્લાને રેડ ઝોનમાં મુકાયું છે અને સામાન્ય વજનની સરખામણીએ ઓછા વજનના જન્મના પ્રમાણમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતા 5 જિલ્લામાંથી એક બન્યું છે.
આ બધા આંકડાઓ જોતા રાજકોટમાં કુપોષણ ખૂબ મોટી સમસ્યા હોવાનું સામે આવ્યું છે. ઓછા વજન સાથે જન્મનું કારણ અધૂરા મહિને જન્મ તો છે જ પણ માતામાં જ પોષણ પૂરતું ન હોય તો ગર્ભમાં ઉછરતા બાળકને પણ ઓછું મળે તેવું પણ છે. રાજ્યમાં માત્ર 31 ટકા સગર્ભા મહિલાઓનું જ હીમોગ્લોબિન 12 કરતા વધુ એટલે કે યોગ્ય નોંધાયું છે. 36.52 ટકા માઈલ્ડ એનેમિક, 32 ટકા મોડરેટ એનિમિક છે. લોહીમાં હીમોગ્લોબિનની આ ખામી ગર્ભને ઓછું પોષણ આપવાની સાથે સાથે અધૂરા મહિને જન્મનું કારણ બને છે અને તેથી જ ઘણા પ્રયત્ન બાદ પણ કુપોષણ, જોખમી પ્રસૂતિઓ અને ઓછા મહિને જન્મની સમસ્યાનો નિકાલ મળતો નથી.
- Advertisement -
ઓછા વજન સાથે બાળકનો જન્મ થવા પાછળ સૌથી મોટું કારણ માતામાં જ પોષણની ઊણપ છે. પ્રેગનન્સી દરમિયાન મહિલાને સામાન્ય કરતા બમણા પોષણની જરૂર પડે છે. પ્રેગનન્સીની ખબર પડે એટલે તુરંત જ હીમોગ્લોબિનના ટેસ્ટ કરાવાય છે અને તેમાં લેવલ 12 ગ્રામ કરતા ઓછું નીકળે તેની શક્યતા વધુ હોય છે. ગર્ભમાં ઉછરતા બાળકનો વજન છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ વધે છે પણ હીમોગ્લોબિનની અછતને કારણે શરીર ગર્ભને ઉછરવા માટે પૂરતો સમય આપી શકતો નથી અને અધૂરા મહિને જન્મ થાય છે તેના કારણે સ્વાભાવિકપણે બાળકનો જન્મ ઓછા વજન સાથે થાય છે.
હીમોગ્લોબિનનો વધારો શરીરમાં આર્યનથી થાય છે અને શરીરમાં આર્યનનું પ્રમાણ હોય તો પ્રેગનન્સી વખતે તેનો ઉપયોગ હીમોગ્લોબિન વધારવામાં થાય પણ માતાના શરીરમાં આર્યનની જ ઊણપ હોય તો પૂરા મહિને જન્મ હોય તો પણ બાળકનું વજન વધી શકતું નથી. ઓછા વજન સાથે બાળજન્મ એ માત્ર 9 મહિના દરમિયાન માતાનું ધ્યાન રાખવાથી નહિ પણ તરુણાવસ્થા દરમિયાનથી જ ધ્યાન રાખવાથી થઈ શકે છે કારણ કે જ્યાં સુધી દીકરીઓને નાની વયથી પોષણ અપાશે તો જ તે ભવિષ્યની પોષિત પેઢીને જન્મ આપી ઉછેરી શકશે.
ઘણા સમય પહેલા ગાયનેક સોસાયટીએ એક સૂત્ર આપ્યું હતું કે, 12 વર્ષની દીકરી હોય તો તેનું હીમોગ્લોબિન લેવલ ઓછામાં ઓછું 12 તો હોવું જ જોઈએ. 12 વર્ષની ઉંમરથી જ દીકરીઓને યોગ્ય પોષણ મળે છે કે નહિ તેની ખાતરી થઈ જાય તો તેના 10 કે 12 વર્ષ પછી તે પુખ્ત થાય અને માતા બનવાની ઉંમર થાય તો બાળક સ્વસ્થ વજન સાથે જન્મે તેની શક્યતા અનેકગણી વધી જાય છે.



