કિરીટ પરમાર એટલે કૌભાંડોનો પર્યાય
શાસનાધિકારી નહીં, કૌભાંડધિકારી કહો!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શિક્ષણ સમિતિના વર્તમાન શાસનાધિકારી કિરીટ પરમાર અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતમાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ આજથી બે-ત્રણ વર્ષ અગાઉ કિરીટ પરમાર દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી લાખો રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે. રાજકોટ જીલ્લા પંચાયતમાં કિરીટ પરમારે કરેલા આ કૌભાંડોના ઓફિશિયલ પુરાવાઓ પણ મૌજૂદ છે. રાજકોટ જિલ્લા પંચાયત જેમ રાજકોટ શિક્ષણ સમિતિમાં પણ કિરીટ પરમારે કામ ઓછું અને કૌભાંડ વધુ આચર્યા છે. કૌભાંડોનું બીજું નામ એટલે કિરીટ પરમાર તેમ કહીએ તો પણ ખોટું નથી. પૈસાખાઉં કિરીટ પરમારના કૌભાંડો જગજાહેર છે તેમ છતાં શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પગલાં કેમ લેવામાં આવતા નથી એ સૌથી મોટો સવાલ છે.
બાળકોની શિષ્યવૃત્તિના પૈસા ઓળવી ગયા
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટેની એક પરીક્ષા લેવામાં આવે છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિના લાખો રૂપિયા વિદ્યાર્થીઓને આપવાના બદલે ખુદ કિરીટ પરમાર ઓળવી ગયો છે. કિરીટ પરમાર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં હતો ત્યારે તેણે વિદ્યાર્થીઓની લાખો રૂપિયાની શિષ્યવૃત્તિની ઉચાપત કરી છે. આ અંગે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા પંચાયતમાં વારંવાર પત્રો પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં જિલ્લા પંચાયત કે કિરીટ પરમાર રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટેની પરીક્ષાના હિસાબકિતાબ આપી શક્યા નથી.
ચિત્રનગરીની કામગીરીમાંથી પણ લાખો રૂપિયા બનાવ્યાં
જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં કિરીટ પરમાર હતો ત્યારે તેણે ચિત્રનગરીના ચિત્રો દોરાવવાની કામગીરીમાં પણ લાખો રૂપિયાની હેરાફેરી કરી પોતાના ખિસ્સા ભર્યા છે. કિરીટ પરમારે ચિત્ર નગરીમાં શાળામાં ચિત્રો દોરવાની કામગીરી દિવાલની જગ્યાએ માત્ર કાગળ પર જ દર્શાવી લાખો રૂપિયાની ઉચાપત કરી છે. જિલ્લા પંચાયતમાં ચિત્રનગરીની કામગીરી હેઠળ કિરીટ પરમારે જે ચિત્રો શાળાની દિવાલો પર દોરવામાં જ આવ્યા નથી એ ચિત્રો દોરાઈ ગયા હોવાના કાગળિયા બનાવી સરકાર પાસેથી ગેરવાજબી રીતે પૈસા પડાવ્યા છે. કિરીટ પરમારના ચિત્રનગરી અંતર્ગત કરવામાં આવેલા કૌભાંડથી પણ સૌ વાકેફ છે છતાં તેનો વાળ કેમ વાંકો થયો નથી એ સવાલ સૌને સતાવી રહ્યો છે.