સોમનાથ દરિયાકાંઠા વિસ્તારમાંથી 2.5 કરોડનાં ચરસનાં પેકેટ મળતા ભારે ચર્ચા
સોરઠનાં દરિયા કિનારે સઘન પેટ્રોલીંગ કરતી પોલીસ : ડ્રગ્સ માફિયાઓને ગંધ આવી જતાં દરિયા કિનારે પેકેટ ફેંકી દીધાની શક્યતા : માંગરોળ પોલીસ સ્ટેશનમાં 9.88 લાખનાં ચરસનાં જથ્થાની ફરિયાદ નોંધાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર દરિયા કિનારેથી બે દિવસમાં 211 ચરસનાં પેકેટ બીનવારસુ હાલતમાં મળી આવતા પોલીસ સતર્ક બની છે. બે દિવસથી સોરઠનાં દરિયા કિનાર પર સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સૌથી વધારે જથ્થો સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારેથી મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ બે પેકેટ જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી મળ્યાં છે.ડ્રગ્સ માફિયાઓએ સોરઠનાં દરિયા કિનારનો પસાર થવા માટે ઉપયોગ કર્યાનું મનાઇ રહ્યું છે. આ ફેરાફેરી ઉપર સરકારી એજન્સીઓ નજર રાખતી હોય અથવા પકડાઇ જવાની ગંધ આવી ગઇ હોય અને પેકેટ સમુદ્રમાં ફેકી દીધા હોવાનું મનાઇ રહ્યું છે. તેમજ દરિયા કિનારનાં બોર્ડર નજીક ફેકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. હજુ પણ દરિયામાં પેકેટ હોવાની શક્યતા છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. માંગરોળ દરિયા કિનાર પરથી વધુ બે પેકેટ મળ્યાં હતાં. તેમજ માંગરોળ મરિનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી મળી આવેલા નશીલા પદાર્થના મામલે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગતરાત્રીના નજીકના માંગરોળના દરિયા કાંઠેથી નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા. જેથી અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના દરીયા કાંઠે પણ મળવાની સંભાવનાને ધ્યાને લઇ સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતુ.
જેમાં એએસપી ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં એસઓજીના પીઆઈ વી.એલ.સોનારા, એલસીબીના કે.જે.ચૌહાણ, મરીનના પીઆઈ એન.જી.વાઘેલા સહિત સ્થાનીક પોલીસની 10 ટીમોએ જિલ્લાના દરિયા કાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.વધુમાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દિવસભરના સર્ચ ઓપરેશનમાં વેરાવળના આદ્રીથી સોમનાથના લાટી સુધીના દરિયા કિનારાના વિસ્તારોમાંથી જુદાજુદા સ્થળોએથી 160 જેટલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ તમામ પેકેટો 1-1 કિલોના છે અને તેમાં રહેલ જથ્થો ચરસ હોવાની શક્યતા છે. જે ખાત્રી કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. જો આ જથ્થો ચરસ હોય તો તેની બજાર કિંમત 2.5 કરોડ આસપાસ થાય છે. આ તમામ પેકેટો ઉપર પાકિસ્તાનની સુગત મિલનો મારકો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પણ જિલ્લાના 70 કિમી લાંબા કોસ્ટલ કાંઠા ઉપર પોલીસની 10 ટીમો સઘન પેટ્રોલીંગ સાથે ચેકીંગ કરી રહી છે.તેમજ માંગરોળ દરિના કિનારેથી વધુ બે પેકેટ મળી આવ્યાં છે. આ અંગે માંગરોળ મરિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીએ ચરસનો જથ્થો 6.590 કિગ્રા જેની કિંમત રૂપિયા 9,88,500નો લઇ આવી અવાવરૂ જગ્યામાં મુકી હાજર નહી મળી આવ્યાની ફરિયાદ નોંધાઇ છે. જૂનાગઢ એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે,હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. તેમજ માંગરોળ મરિનમાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
- Advertisement -
કોસ્ટગાર્ડનું દરિયામાં પેટ્રોલિંગ, માછીમારો સાથે ચર્ચા
જૂનાગઢ,સોમનાથ અને પોરબંદરનાં દરિયા કિનારેથી પેકેટ મળતા સર્ચ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ પણ જોડાઇ છે અને સમુદ્રની અંદર પેટ્રોલીંગ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે પોતાનાં નેટવર્કનો પણ ઉપયોગ કરી રહી છે. ખાસ કરીને માછીમારો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને આવા શંકાસ્પદ પેકેટ મળે તો પોલીસને જાણ કરવા કહેવાઇ રહ્યું છે.
સોરઠનાં દરિયા કિનારો બે દિવસથી ખુંદતી પોલીસ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારેથી ચરસનાં પેકેટ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.જૂનાગઢનાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શનમાં એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા,માંગરોળ મરિન પોલીસ સહિતની ટીમો તપાસમાં લાગી છે.છેલ્લા બે દિવસથી દરિયા કિનારે તપાસ અને સર્ચ ઓપરેશન કરી રહી છે.