દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે ગઈ કાલે લૉરેન્સ બિશ્નોઇ-ગોલ્ડી બ્રાર ગૅન્ગના બે ગૅન્ગસ્ટરની ધરપકડ કરી હતી. આ બેમાંથી અંકિત સિરસા નામનો ૧૯ વર્ષનો ગૅન્ગસ્ટર પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યામાં સંકળાયેલા શૂટર્સમાંનો એક છે.
દિલ્હી પોલીસે કરી ધરપકડ
અંકિત નામનો ગૅન્ગસ્ટર એ જ શાર્પશૂટર છે જેણે પંજાબના માનસા જિલ્લામાં જવહરકે ગામે 29 મેના મૂસેવાલાને બહુ જ નજીકથી ઠાર માર્યો હતો. આ ઉપરાંત તે રાજસ્થાનમાં હત્યાના અન્ય પ્રયાસના કેસમાં સંડોવાયેલો છે.
- Advertisement -
અન્ય આરોપી સચિન ભિવાની સિધુ મૂસેવાલા કેસના ચાર શૂટરોને આશ્રય આપવા માટે જવાબદાર હતો.
દિલ્હી પોલીસે આ બન્ને આરોપીઓને કાશ્મીરી ગેટ બસ-સ્ટૅન્ડ પરથી ઝડપ્યા હતા. તેમની પાસેથી 9 એમએમ બોરની પિસ્ટલ અને 10 કારતૂસ, 30 એમએમની પિસ્ટલ અને 9 કારતૂસ, પંજાબ પોલીસના ત્રણ યુનિફૉર્મ અને ડૉન્ગલ અને સિમ-કાર્ડ સાથેના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.
વિદેશ ભાગી જવાની હતી યોજના
સોનીપતના સિરસા ગામમાં રહેતો અંકિત ચાર મહિના પહેલાં જ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સંપર્કમાં આવ્યો હતો. અંકિત સામે હત્યાના પ્રયાસના બે કેસ રાજસ્થાનમાં પણ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે અંકિતની શોધખોળ શરૂ કરી તો ખબર પડી કે તે બહુ જ ખતરનાક હતો. એક ફોટોમાં તેણે ગોળીઓથી મૂસેવાલા એવું લખી રાખ્યું હતું. વળી તે સાથીઓ સાથે સંપર્ક કરવામાં વૉટ્સઍપ કૉલનો પણ ઉપયોગ નહોતો કરતો. અંકિતને પોલીસે પકડ્યો ત્યારે તે પોતાના એક સાથી સાથે નોએડા જવાનો હતો, જ્યાં તેના ટાર્ગેટ પર બે જણ હતા. ત્યાર બાદ તેણે વિદેશમાં ભાગી જવાની યોજના બનાવી હતી.
- Advertisement -
પહેલી જ હત્યા
સિધુ મૂસેવાલા પહેલાં ૧૯ વર્ષના અંકિત સિરસાએ કોઈનો જીવ નહોતો લીધો હતો. આ તેની પહેલી જ હત્યા હતી. તે નવમા ધોરણ સુધી ભણેલો છે, ત્યાર બાદ અપરાધની દુનિયામાં સામેલ થઈ ગયો હતો.