ચોપડે ટેન્કરના અનેક ફેરાઓનો ઉલ્લેખ, પરંતુ શું તંત્ર પૂરતુ પાણી લોકો સુધી પહોંચાડે છે?
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના કુલ પાંચ તાલુકાઓના જુદા-જુદા 33 ગામો અને 7 પરાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
- Advertisement -
દરરોજના કુલ 200 ફેરાઓ કરીને પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં પરંતુ સ્માર્ટ સીટી રાજકોટમાં પણ ટેન્કર પ્રથા યથાવત છે. સરકારની મોટી-મોટી વાતો વચ્ચે રાજકોટના લોકો પાણીવિહોણા રહે છે તેવું કહેવું મિથ્યા નથી.
હવે વાત કરીએ મુદ્દાની. સરકાર દ્વારા હજુ સુધી છેવાડાના વિસ્તારો, ગામડાઓમાં પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી તથા ટેન્કરો પૂરતા પ્રમાણમાં ન પહોંચતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ભરઉનાળે લોકો પાણી વગર રહ્યા હોવાની ફરિયાદો કરી રહ્યા છે. ચોપડે વધુ ટેન્કરો દેખાડાઈ છે પરંતુ ખરેખર શું આટલા ટેન્કરો ગામો અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચે છે? તે એક પ્રશ્ર્ન છે.
રાજકોટ તાલુકાના 21 ગામો તથા વિંછીયા અને લોધિકાના પાંચ-પાંચ ગામો, જસદણ અને કોટડાસાંગાણી તાલુકાના એક-એક ગામોમાં ઉપરાંત વિંછીયાના બે પરાઓ અને લોધિકાના પાંચ પરાઓમાં ટેન્કર દ્વારા પાણી પૂરૂં પાડવામાં આવે છે તેવું તંત્રનું કહેવું છે, ગામ લોકોનું નહીં.