સિદ્ધાર્થ રાંદેરિયા વિરુદ્ધ ઈંઙઈ કલમ 114 હેઠળ ફરિયાદ?
રૂપેરી પડદેના મહાનાયક, અસલ જિંદગીમાં મહાઠગ!
- Advertisement -
તન્વી પ્રોડક્શન-વિમલ પટેલ સહિત સિદ્ધાર્થ રાંદેરિયા સામે પણ કાનૂની કાર્યવાહી
સવાલોના સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાએ કોઈ જ ખુલાસો ન કરતા સ્પર્ધકો તેના વિરુદ્ધ સહઆરોપીની ફરિયાદ નોંધાવશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક શરમજનક ઘટના ઘટી છે. ગુજરાતના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા પણ હવે તન્વી પ્રોડક્શન – વિમલ પટેલના ગેમ શો સવાલોના સવા કરોડમાં છેતરપીંડી આચરનાર ગુનેગારોમા સામેલ હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ-ખબરના પાછલા કેટલાંક અંકોમાં તન્વી પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ ગુજરાતનાં સૌથી મોટા રિયાલિટી શોની સૌથી મોટી રિયાલિટીના પર્દાફાશ બાદ સવાલોના સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાની ભૂમિકા અંગે સવાલો ઉઠવાના શરૂ થયા હતા. આ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલે તેમનો લૂલો બચાવ કર્યો હતો પરંતુ સવાલોના સવા કરોડ ગેમ શો નામે સ્પર્ધકો સાથે થયેલી છેતરપીંડીમાં સિદ્ધાર્થ રાંદેરિયા દૂધે ધોયેલા સાબિત થયા નહતા. ખુદને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અમિતાભ બચ્ચન સમજતા સિદ્ધાર્થ રાંદેરિયા માત્ર પડદા પર જ હીરો છે, અસલ જિંદગીમાં તેઓ પણ ઠગ છે એવું સવાલોના સવા કરોડ ગેમશોના સ્પર્ધકોને અનુભવ થતા તેઓએ આ ગેમ શોના આયોજક તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ, સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરે વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 420 હેઠળ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવવા જઈ રહ્યા છે આ સાથે જ સવાલોના સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા વિરુદ્ધ આઈપીસીની કલમ 114 હેઠળ સહઆરોપી તરીકેની ફરિયાદ પણ સ્પર્ધકો દ્વારા નોંધાવવામાં જઈ રહ્યા છે. અગાઉ સ્પર્ધકો દ્વારા આ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તેમને કોઈ જ સંતોષકારક જવાબ ન મળતા હવે તેઓએ કાનૂની લડત પ્રારંભી દીધી છે.
સિદ્ધાર્થ રાંદેરિયા સોશિયલ મીડિયા પર ખુલાસો કેમ ન કરી શકે?
તન્વી પ્રોડક્શન – વિમલ પટેલે સવાલોના સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા સવા વર્ષ અગાઉ હજારો સ્પર્ધકો પાસેથી 1200-1200 રૂપિયા ઉઘરાવેલા હતા અને હવે સવા વર્ષ બાદ પણ આ ગેમ શો ક્યારે શરૂ થશે તેના કોઈ ઠેકાણા નથી. સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજકો એવું કહી રહ્યા હતા કે, હોસ્ટ વિદેશ હોવાથી ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. હોસ્ટના બિઝનેસ મેનેજર એવું કહી રહ્યા છે કે, આયોજકોને સ્પોન્સર્સ ન મળવાના કારણે ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. આ દરમિયાન સ્પર્ધકોએ એવી ઈચ્છા દર્શાવી હતી કે, સિદ્ધાર્થ રાંદેરિયા જ્યાં હોય ત્યાંથી એક વિગતવાર વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર સમગ્ર મામલે ખુલાસો કરે. સ્પર્ધકો દ્વારા તેમને નોટિસ પણ પાઠવવામાં આવેલી હતી પરંતુ સિદ્ધાર્થ રાંદેરિયા બહુ મોટા કલાકાર બની ગયા હોય અને ખુલાસો કરવાના ક્યાય પૈસા ન મળે તેથી તેમણે નોટિસમાં આપેલા સમયગાળામાં સમગ્ર મામલે ખુલાસો કરવાનું ટાળ્યું હતું. તેમના બિઝનેસ મેનેજર વિજય રાવલે પણ આ અંગે મોઢું સીવી લીધું હતું. ખાસ નોંધનીય છે કે, સિદ્ધાર્થ રાંદેરિયાએ સવાલોના સવા કરોડ ગેમ શોનું માર્કેટિંગ કરીને લોકોને વિશ્વાસમાં લઈ આ ગેમ શોમાં ભાગ લેવા જણાવ્યું હતું. હવે જ્યારે આ ગેમ શો ક્યારે, ક્યાં, કઈ રીતે અને કોના દ્વારા શરૂ કરશે તેની વિગત ઉપલબ્ધ ન હોય સવાલોના સવા કરોડ ગેમ શોમાં ભાગ લેનારા સ્પર્ધકો આ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના સહિત શોનું માર્કેટિંગ કરનારી સેલિબ્રિટીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 114 મુજબ સહઆરોપી તરીકે પોતાના નજીકના પોલીસસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છે.
દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી હોવાનું સાબિત કરે છે સિદ્ધાર્થ રાંદેરિયાનું મૌન
સવાલો સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાએ ગેમ શોના સ્પર્ધકો સાથે થયેલી ઠગાઈમાં ખુલાસો કરી સત્યને ઉજાગર કરવાનું ટાળ્યું છે અને સમગ્ર મામલે મૌન સેવી લીધું છે. સિદ્ધાર્થ રાંદેરિયાનું ભેદી મૌન સાબિત કરે છે કે, આખા મામલામાં દાળમાં કંઈક કાળું નથી પરંતુ આખી દાળ જ કાળી છે અને આ કાળી દાળમાં તેમના હાથ પણ કાળા થયેલા છે!