ગાજવીજ અને તોફાની પવનની ચેતવણી: બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યો કાળઝાળ ગરમી અને હીટ વેવનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમના માટે રાહતના સમાચાર એ છે કે આગામી તારીખ 20ને બુધવારથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડશે.
ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ નોર્થ ઈસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે અને આવું બીજું સાઇક્લોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યું છે. અરબી સમુદ્રના દક્ષિણ તરફના વિસ્તારમાં મધ્ય ભાગમાં દરિયાની સપાટીથી 4.5 કિલો મીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયુ છે અને આવી જ રીતે બંગાળની ખાડીમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તારીખ 20 થી તારીખ 22 સુધી ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ગુજરાત ઉપરાંત જે રાજ્યમાં તારીખ 20 થી વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેમાં પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી બિહાર ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા કેરલ અને તામિલનાડુનો સમાવેશ થાય છે.
- Advertisement -
નવ શહેરોમાં 40થી 42.8 ડિગ્રી તાપમાન
ગુજરાતના 9 શહેરોમાં મહત્તમ તાપમાન ગઈકાલે 40થી 42 ડિગ્રી નોંધાયું હતું સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 42.8 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત કંડલા ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ લોકોએ આકરા તાપ અને ગરમીનો અનુભવ કર્યો હતો.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા વાદળો
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા. વડોદરા સુરત અને દ્વારકામાં વાતાવરણમાં સામાન્ય પલટો જોવા મળ્યો હતો. દ્વારકામાં 87 સુરતમાં 90 વડોદરામાં 87 ભુજમાં 91 ડીશામાં 54 વેરાવળમાં 87 અને રાજકોટમાં 70 ટકા ભેજ સવારે જોવા મળ્યો હતો.


