વિજયની રિધમ હાંસલ કરીને આત્મવિશ્ર્વાસથી સભર બનેલી સનરાઇઝર્સ હૈદરાબાદ શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ માટે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો વર્તમાન આઇપીએલમાં વિજયની હેટ્રિક નોંધાવવાનો લક્ષ્યાંક રહેશે. જોકે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ઈજાગ્રસ્ત બનેલો સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની હૈદરાબાદની ટીમને ખોટ પડશે. સુંદરે ચાર વિકેટ ઝડપવા ઉપરાંત એક અડધી સદી પણ ફટકારી છે.
કોચ ટોમ મૂડીએ સ્પષ્ટતા કરી દીધી છે કે સુંદર ઓછામાં ઓછી બે મેચ રમી શકે તેમ નથી. તેના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં કોને રમાડવામાં આવે છે તે રસપ્રદ બની રહેશે. કોલકાતાની ટીમ મજબૂત છે અને દિલ્હી સામેના પરાજયને તે ભૂલીને ફરીથી વિજય હાંસલ કરવાનો પ્રયાસ કરશે. કોલકાતાની સૌથી મોટી સમસ્યા તેની બોલિંગ છે. વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે પણ ચુસ્ત સ્પેલ નાખીને મહત્ત્વની ભૂમિકા અદા કરવી પડશે. ઓપનર અજિંક્ય રહાણેનું ફોર્મ પણ ચિંતાજનક છે.


