કેન્દ્ર સરકારે 4217.41 કરોડ અને રાજય સરકારે 3489.03 કરોડની ગ્રાન્ટ ફાળવી
બે વર્ષમાં કુલ 7706.44 કરોડની ગ્રાન્ટ આવી પણ વિકાસ ખાડે ગયો
જૂનાગઢ મહાનગરપાલીકાને છેલ્લા બે વર્ષમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 7706.44 કરોડની ભરપુર ગ્રાન્ટ મળી છે. પરંતુ અનઆવડત અને આયોજનનાં અભાવે શહેરનો વિકાસ ખાડે ગયો છે. રાજય સરકાર કરતા કેન્દ્ર સરકારે વધુ ગ્રાન્ટ ફાળવી છે.
જૂનાગઢ મહાનગર પાલીકા બન્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે સત્તા ભોગવી છે. પરંતુ શહેરમાં આજે પણ યોગ્ય રસ્તા નથી. ગટરની કામગીરી વર્ષોથી ચાલી રહી છે. શહેરનાં અનેક વિસ્તારમાં પીવાનું પાણી મનપા દ્વારા આપવામાં આવતુ નથી. આજે પણ લાઇટ અને સફાઇનાં પ્રશ્ર્નો લોકોને પરેશાન કરી રહ્યાં છે. ગઇકાલ મળેલી બોર્ડમાં પણ ભાજપનાં કોર્પોરેટરોએ જ સફાઇ, પાણી,લાઇટ જેવ મુદ્ા ઉઠાવ્યાં હતાં. મનપામાં છેલ્લા બે ટ્રમથી તો ભાજપનું શાસન છે. પરંતુ જૂનાગઢની પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી જૂનાગઢની પ્રજાને યોગ્ય રસ્તા મળ્યાં નથી. ચોમાસામાં તુટી જતા રસ્તા ઉનાળામાં બનાવવામાં આવે છે અને ફરી ચોમાસામાં તુટી જાય છે. વરસાદથી રસ્તા ન તુટે તો પાઇટ લાઇન, કેબલ નાખવાનાં બહાને રસ્તા તોડી નાખવામાં આવે છે. જૂનાગઢની પ્રજા સારા રસ્તાને જંખી રહી છે. પરંતુ તેનું આ સ્વપ્ન નેતાઓ પુરુ કરી શક્યા નથી. બીજી તરફ રાજય અને કેન્દ્ર સરકાર તરફથી પુરતી ગ્રાન્ટ આપવામાં આવે છે.આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ વિધાન સભામાં સવાલ કર્યો હતો કે, જૂનાગઢ મહાનગર પાલીકાને છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે ? કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કેટલી ગ્રાન્ટ આપી છે ?. તેના જવાબમાં સરકારનાં મંત્રીએ કહ્યું હતું કે, જૂનાગઢ મહાનગર પાલીકાને વર્ષ 2020માં 1271.74 કરોડ અને વર્ષ 2021માં 6434.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. બે વર્ષમાં કુલ 7706.44 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે 4217.41 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી છે. જૂનાગઢ માટે રાજય સરકારે 3489.03 કરોડ ફાળવ્યાં છે. રાજય સરકાર કરતા કેન્દ્ર સરકારે વધુ ગ્રાન્ટ ફાળવી છે.
- Advertisement -
જૂનાગઢની સૌથી મોટી સમસ્યા ફાટક
જૂનાગઢ શહેરની સૌથી મોટી સમસ્યા ફાટકની છે. જૂનાગઢ મધ્યેથી પસાર થતી ટ્રેનનાં કારણે વારંવાર લોકો ફાટકનાં ટ્રાફીકમાં ફસાઇ છે. જૂનાગઢનાં વૈભવ ફાટક માટે અનેક વખત આયોજન થયું પરંતુ આજ દિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. સરકાર ફાટક મુક્તની વાતો કરે છે પરંતુ જૂનાગઢનાં ફાટક માથાનાં દુ:ખાવા સમાન બન્યાં છે.
કરોડોની ગ્રાન્ટ ક્યાં વપરાય છે?
જૂનાગઢમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. પરંતુ શહેરમાં વિકાસ ક્યાંય પણ દેખાતો નથી. જેની પાછળ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેની જાળવણી કરવામાં આવતી નથી. મજેવડી દરવાજો, સરદાર ગેઇટ અને બગીચા પાછળ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતાં પરંતુ તેની દુર્દશા થઇ છે.
10 વર્ષથી ચાલતી નરસિંહ મહેતા તળાવનાં બ્યૂટિફિકેશનની વાતો
જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષથી નરસિંહ મહેતા તળાવનાં બ્યુટીફીકેશનની વાતો ચાલી રહી છે. બ્યુટીફીકેશનનાં નામે અને તેના આયોજન પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યાં છે. પરંતુ આજ સુધી નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન થયું નથી અને હજુ કયારે થશે તે કોઇ જાણતું નથી.


