અવિનાશે પત્ની રજિતાની ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ મૃતદેહનો ફોટો તેની ગર્લફ્રૅન્ડને મોકલ્યો
પોલીસ તપાસમાં અનેક રહસ્ય પરથી પડદા ઊઠ્યા અને કુદરતી મોતની ઘટના હત્યા હોવાનું ખુલ્યું
- Advertisement -
અમેરિકામાં જોબ કરતા એક ઈન્ડિયન એન્જિનિયરે લગ્નના માત્ર ચાર જ મહિનામાં તેની પત્નીની ઘાતકી હત્યા કરી દીધી છે, વોશિંગ્ટન સ્ટેટમાં રહેતા અવિનાશ નારને નામના આ શખસે તેની પત્ની રજિતાનું મર્ડર કર્યા બાદ તેને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનાના આઠ મહિના બાદ છેક હવે અવિનાશની ધરપકડ કરી તેના પર મર્ડરનો ચાર્જ લગાવાયો છે. અમેરિકાની જેલમાં બંધ અને મૂળ તેલંગાણાના આ શખસ પર 5 મિલિયન ડોલરનો બોન્ડ મૂકવામાં આવ્યો છે, પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અવિનાશનું બીજી કોઈ યુવતી સાથે સિક્રેટ અફેર ચાલી રહ્યું હતું.
રજિતાનું મોત ઓક્ટોબર 27 2025ના રોજ થયું હતું. તેના ઓટોપ્સી રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે શ્વાસ રૂંધાવાથી તેમજ ઓક્સિજન ના મળવાના કારણે રજિતા મોતને ભેટી હતી. રજિતાનું મોત થયું તે દિવસે અવિનાશે 911 પર ફોન કરીને પોલીસને એવું જણાવ્યું હતું કે હું ઘરે આવ્યો ત્યારે રજિતા બાથરૂમમાં પડી હતી, દરવાજો અંદરથી બંધ હતો અને તે કોઈ રિસ્પોન્સ નહોતી આપી રહી. કોર્ટમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર રજિતા બાથરૂમની અંદરથી મળી આવી હતી અને ફાયર ક્રુએ તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રજિતાના શ્વાસ ફરી શરૂ નહોતા કરી શકાયા. અવિનાશનો એવો દાવો હતો કે રજિતાને પેનિક અટેક્સ અને ગેસ્ટ્રિક ઈશ્યૂઝ એટલે કે પેટની તકલીફ હતી જેના માટે તેને થોડા દિવસો પહેલા જ હોસ્પિટલ પણ લઈ જવી પડી હતી.
આ ઘટના સામે આવી ત્યારે જ પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યો હતો પરંતુ તેની વધુ કોઈ માહિતી મીડિયા સાથે શેર કરવામાં નહોતી આવી અને અવિનાશ સામે ગુપ્તરાહે તપાસ પણ ચાલુ હતી. અવિનાશ અને રજિતા જુલાઈ 2026માં એક અપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા અને તે જ ગાળામાં તેમના લગ્ન થયા હતા. પોલીસે અવિનાશના ફોનની તપાસ કરી ત્યારે તેના સિક્રેટ અફેરની જાણ થઈ હતી, જેની સાથે તે પ્રેમમાં હતો તે યુવતી ઈન્ડિયા રહેતી હતી અને અવિનાશે તેને 2024માં પ્રપોઝ કર્યું હતું. જોકે, છોકરીના મા-બાપ આ સંબંધની વિરૂદ્ધમાં હતાં પણ તેમ છતાંય અવિનાશે તેની સાથેનો પ્રેમસંબંધ યથાવત રાખ્યો હતો અને તેના લગ્નમાં પણ આ યુવતી હાજર રહી હતી.
- Advertisement -
પોલીસે અવિનાશ અને રજિતાની ચેટ હિસ્ટ્રી પણ ચેક કરી હતી. રજિતા પોતાના પતિને અવારનવાર એવી ફરિયાદ કરતી હતી કે તું મારા માટે જે ડ્રીંક બનાવે છે તેનો ટેસ્ટ કંઈક વિચિત્ર આવે છે, ત્યારે અવિનાશ એવું બહાનું કાઢતો હતો કે દવાને કારણે સ્મૂધીનો ટેસ્ટ થોડો કડવો આવે છે. એક સમયે તો રજિતાએ અવિનાશને એવું પણ પૂછી લીધું હતું કે મારામાં શું કમી છે? રજિતાની હત્યા કર્યા બાદ અવિનાશે તેની બોડીના ફોટોગ્રાફ પોતાની પ્રેમિકાને મોકલ્યા હતા અને બંને વચ્ચે તે દિવસે ચાર વાર ફોન પર વાત પણ થઈ હતી. લાંબી તપાસ દરમિયાન મજબૂત પુરાવા એકત્ર કર્યા બાદ આખરે જૂન 28ના રોજ અવિનાશની પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે અવિનાશે ગળું દબાવીને રજિતાની હત્યા કરી નાખી હતી.
વોશિંગ્ટન સ્ટેટના કાયદા અનુસાર અવિનાશ પર લાગેલો આરોપ જો કોર્ટમાં સાબિત થાય તો તેને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. તેણે રજિતાને મોતને ઘાટ ઉતારતા પહેલા તેને ડ્રિંકમાં કોઈ શંકાસ્પદ પદાર્થ આપ્યો હોવાની પણ પૂરી શક્યતા છે. જોકે, તેના વિશે પોલીસે હજુય કોઈ માહિતી નથી આપી. અવિનાશને પકડતા પહેલા તેમના અપાર્ટમેન્ટના ઈલેક્ટ્રોનિક ડોર લોક રેકોર્ડ્સ, મોબાઈલ ફોન ડેટા અને વો્ટસએપ મેસેજિસ પણ ચેક કરવામાં આવ્યા હતા.
તેનાથી એ વાત કન્ફર્મ થઈ હતી કે રજિતાનું મોત થયું તે વખતે અવિનાશ સિવાય ઘરમાં કોઈ હાજર નહોતું. આમ તો અવિનાશે પોતાના ફોનમાંથી તમામ ડેટા ઈરેઝ કરી નાખ્યો હતો પરંતુ તેમ છતાંય પોલીસે તેને રિકવર કરી લીધો હતો. અવિનાશ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર ચાર્જ લગાવાયો છે પરંતુ પહેલી હિયરિંગમાં તેણે ગુનો સ્વીકરવાનો ઈનકાર કરી દીધો હતો, હાલ તેનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરી લેવાયો છે.




