મરણોત્તર સહાયમાં કરાયો બમણો વધારો; હવેથી 50 હજાર મળશે
એક વર્ષમાં પોલીસ વેલ્ફેર ફંડમાંથી એક વર્ષમાં 45.22 કરોડનો કરાયો ખર્ચ-ડીજીપી આશિષ ભાટીયા
પ્રજાની સુરક્ષા માટે રાત-દિવસ એક કરીને ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારના ‘કલ્યાણ’ માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ રાહતોનો પટારો ખોલ્યો છે. ડીજીપી આશિષ ભાટિયાએ મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવેથી કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીને મોબાઈલ ફોન ખરીદવો હશે તો તેને પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂા.25000ની લોન આપવામાં આવશે. આવી જ રીતે જો કોઈ કર્મચારી-અધિકારીને કોમ્પ્યુટર ખરીદવું હોય તો તેને રૂા.60,000ની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. જ્યારે મરણોત્તર સહાયમાં પણ બમણો વધારો કરતાં હવે રૂા.25 હજારના બદલે રૂા.50 હજાર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીના સંતાનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હોય તો તેમને લોન સરળતાથી મળી રહે તે માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વેલ્ફેર ફંડની કામગીરી કરતાં અધિકારી-કર્મચારીનું લઘુત્તમ વેતન પણ વધારીને રૂા.1000થી 1500 કરવામાં આવ્યું છે. કોઈ પોલીસ કર્મચારી-અધિકારીને મોતીયાનું ઓપરેશન કરાવવું હોય તો તેને રૂા.30,000ની લોન ચૂકવવામાં આવશે. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે પોલીસ અધિકારી-કર્મચારી અને તેમના પરિવારજનોના વેલ્ફેર માટે નિર્ણય લઈ સુધારા-વધારા કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં કુલ રૂા.22.07 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જે વર્ષ 2021માં બમણો થઈ રૂા.45.22 કરોડ રૂપિયા થવા પામ્યો છે. આ તમામ રકમ પોલીસ પરિવારના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવી છે.
પોલીસ કર્મીઓને શું ફાયદો થશે ?
- પોલીસ કર્મી-અધિકારીના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા પાંચ કરોડની જોગવાઈ
- વેલ્ફેર ફંડની કામગીરી કરતાં અધિકારી-કર્મચારીનું લઘુત્તમ વેતન વધારી 1500 કરાયું
- પોલીસ સંતાનના લગ્ન માટે દોઢ લાખ તો મેડિકલ લોન બે વર્ષ સુધી વ્યાજમુક્ત અને ત્રીજા વર્ષથી 5%ના વ્યાજદરથી અપાશે
- કોઈ કર્મચારી-અધિકારીને મોતીયાનું ઓપરેશન કરાવવું હશે તો 30,000ની લોન
- આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં પસંદ થયેલા ખેલાડીને 10 લાખ, રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં પસંદગી પામેલા ખેલાડીને પાંચ લાખ
- આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં પસંદગી પામેલા ખેલાડીને મહત્તમ રૂા.10 લાખનું ચૂકવણું અને રૂા.2 લાખ સુધીની સહાય સ્પોર્ટસ કિટ, સાધનો, કોચિંગ, મેડિકલ વિગેેરે ખર્ચ માટે ચૂકવાશે
- રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં પસંદગી પામેલા ખેલાડીને મહત્તમ રૂા.પાંચ લાખ તેમજ 1 લાખ રૂપિયા સ્પોર્ટસ કિટ, સાધનો, કોચિંગ અને મેડિકલ સહિતના ખર્ચ માટે ચૂકવવામાં આવશે.
- સિલાઈ મશીનની લોનમાં વધારો કરી રૂા.10,000
- સંતાનના લગ્ન માટે રૂા.1,50,000
- બે વર્ષ સુધી 0% અને ત્રીજા વર્ષથી 5%ના વ્યાજદર સાથે મેડિકલ લોન
- દર બે વર્ષે મળતી ચશ્મા સહાય હવેથી રૂા.2000ની જગ્યાએ 5000
- દાંતના ચોકઠા માટે રૂા.4000ના બદલે રૂા.10,000
- પોલીસ પરિવારના બાળકોની કારકીર્દિ માટે અને પ્રોત્સાહન માટે ઈનામની રકમમાં અભ્યાસવાઈઝ વધારો કરાયો
- ધો.6થી ધો.12માં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને રૂા.2500થી 15000 સુધી તેમજ અન્ડર ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સ માટે રૂા.10,000 સુધીની જોગવાઈ
- કોઈ પોલીસ કર્મી-અધિકારીને મોતીયાનું ઓપરેશન કરાવવું હોય તો રૂા.30 હજારની લોન


