દેશભરમાં અત્યાર સુધી 69.10 લાખ ઘરમાં સોલાર પેનલ લાગી ચૂકી છે : રૂ.37,989 કરોડની સબસિડી ચૂકવાઈ
માર્ચ 2027 સુધી એક કરોડ ઘરોને સોલર ઊર્જાથી જોડવાનું લક્ષ્ય
- Advertisement -
ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી આ યોજનાને સાકાર કરવા કેન્દ્ર સરકારે કુલ રૂ.75,021 કરોડનું બજેટ ફાળવ્યું છે
3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવા માટે મહત્તમ રૂ.78,000 સુધીની કેન્દ્ર સરકારની સબસિડી મળે છે
વીજળીના સતત વધતા જતા બિલથી પરેશાન સામાન્ય પરિવારો માટે કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર- મફત વીજળી યોજના’ આર્થિક રાહતનું માધ્યમ બની રહી છે. ઘરની છત પર સોલર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરવાની આ યોજનાને દેશભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 26 નવેમ્બર, 2026 સુધીમાં દેશનાં 69.10 લાખ ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવી ચૂક્યાં છે અને લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ.37,989 કરોડની સબસિડી આપવામાં આવી છે. આ આંકડાઓમાં ગુજરાતે પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.56 લાખ સોલર ઇન્સ્ટોલેશન સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. કેન્દ્રીય નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE)ના આંકડા અનુસાર, યોજનાનો લાભ લેનારાં ઘરોમાં અત્યાર સુધીમાં કુલ 20.2 ગીગાવોટની સોલર વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરાઈ છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય માર્ચ 2027 સુધીમાં દેશનાં એક કરોડ ઘરોને સોલર ઊર્જા સાથે જોડવાનું છે. આ લક્ષ્યની સરખામણીએ હજુ અંદાજે 30.90 લાખ ઘરોમાં સોલર પેનલ લગાવવાનાં બાકી છે.
- Advertisement -
રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 9.89 લાખ સોલર ઇન્સ્ટોલેશન નોંધાયાં છે. ત્યારબાદ ગુજરાત 9.56 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર 9.43 લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે છે. આ ત્રણેય રાજ્યોમાં દેશના કુલ સોલર ઇન્સ્ટોલેશનનો મોટો હિસ્સો નોંધાયો છે. જોકે, અરજીઓની સરખામણીએ સોલર સિસ્ટમ લગાવવાની કામગીરીના દરમાં રાજ્યો વચ્ચે તફાવત જોવા મળ્યો છે. તમિલનાડુમાં આ દર 82.6 ટકા, કેરળમાં 77.6 ટકા અને મધ્યપ્રદેશમાં 75.5 ટકા નોંધાયો છે. જ્યારે બિહારમાં 17.6 ટકા અને પશ્ચિમ બંગાળમાં માત્ર 15.2 ટકા ઇન્સ્ટોલેશનનો દર નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે યોજના માટે અરજીઓ કરાવવાની સાથે વાસ્તવિક ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.
સોલર પેનલ લગાવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે સરકારે QR કોડ આધારિત ડિજિટલ ટૂલ પણ શરૂ કર્યું છે. આ સુવિધા દ્વારા ઘરમાલિક પોતાની છતના કદ અને જરૂરિયાતના આધારે કેટલી ક્ષમતાની સોલર સિસ્ટમ યોગ્ય રહેશે, તેના પાછળ કેટલો ખર્ચ આવશે, વીજળીના બિલમાં કેટલી બચત થશે અને સોલર સિસ્ટમ પાછળ કરેલા ખર્ચની ભરપાઈ કરવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ મેળવી શકશે. આ સુવિધાથી સોલર પેનલ લગાવવાનું આયોજન કરતા પરિવારોને અગાઉથી ખર્ચ અને આર્થિક ફાયદાની સમજ મેળવવામાં મદદ મળશે.
એક કરોડ ઘરોમાં સોલર પેનલથી પર્યાવરણને પણ મોટો ફાયદો
સરકારના અંદાજ મુજબ, માર્ચ 2027 સુધીમાં એક કરોડ ઘરોમાં સોલર પેનલ લગાવવાનું લક્ષ્ય પૂર્ણ થાય તો આગામી 25 વર્ષમાં આશરે 1,000 અબજ યુનિટ નવીનીકરણીય વીજળીનું ઉત્પાદન થઈ શકે છે. આ ઉપરાંત અંદાજે 72 કરોડ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની પણ શક્યતા છે.



