સાંજે 7.30થી મેચનો પ્રારંભ : ઈન ફોર્મ ઈંગ્લેન્ડ જીતનો સિલસિલો જાળવી રાખવા તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 2019ના આઇસીસી વન ડે વર્લ્ડ કપની ફાઈનલ બાદ ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ આવતીકાલે આઇસીસી ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમા આમને-સામને ટકરાશે. ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપમાં દબદબો જાળવી રાખતાં સળંગ છઠ્ઠી જીત સાથે ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. જ્યારે ન્યૂઝિલેન્ડ 2019ના વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં મળેલી નાટકિય હારનો બદલો લેવાના ઈરાદા સાથે ઉતરશે. વિલિયમસનની કેપ્ટન્સી હેઠળની ટીમે પાકિસ્તાન સામેની હાર સાથે શરૃઆત કર્યા બાદની તમામ ચાર મેચ જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. મોર્ગનની ટીમ ટાયમલ મિલ્સ બાદ જેસન રોય જેવા ઈન ફોર્મ ઓપનરને ગુમાવી ચૂકી છે, આમ છતાં ટીમમાં ધુરંધર ઓલરાઉન્ડર્સ ટીમને એકલા હાથે જીતાડવા માટે સક્ષમ છે. અબુ ધાબીમાં આવતીકાલે સાંજે 7.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ઈનો મોર્ગનની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે આત્મવિશ્વાસ સાથે તમામ મેચોમાં જીત હાંસલ કરી છે. ઈંગ્લેન્ડનો ઓપનર બટલર જબરદસ્ત ફોર્મમાં છે.

- Advertisement -
તેણે ટીમની સફળતામાં પાયાનું પ્રદાન કર્યું છે અને આ વર્લ્ડ કપની પાંચ મેચમાં 120.00ની સરેરાશથી 240 રન નોંધાવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડનો સ્પિનર રાશિદ પાંચ મેચમાં 8 વિકેટ ઝડપી ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમનો સૌથી સફળ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. જેણે પાંચ મેચમાં 11 વિકેટ ઝડપી હતી. ન્યૂઝિલેન્ડના ઓપનર ગપ્ટિલે પાંચ મેચમાં 35.20 સરેરાશથી 176 રન નોંધાવ્યા છે.



