પરેશ રાજગોર
ગુજસીટોક કાયદાની કડક અમલવારી કરીને અનેક કુખ્યાત ગેંગ્સ સામે કાર્યવાહી કરાઈ
- Advertisement -
બે મહિનામાં બે બુટલેગર ગેંગ સામે ગુજસીટોક અને 3 દિવસમાં 130 દારૂના કેસ નોંધી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો છે
પ્રાઉડ ઓફા ગુજરાત પોલીસ ગણાતા જગદીશ બાંગરવા સાહેબે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે ગુનાખોરીએ માઝા મુકેલી, જે મુકે “લાજ તેનું નાનું સરખું રાજ” ! તમે કપડા ઉતારો તો સામેવાળાએ આંખ બંધ કરવાની…!! રાજકોટ આવતા આઇપીએસ ઓફિસરો ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ’ના બદલે ‘ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ’ની જેમ વર્તતા પ્રજા રામ ભરોસે હતી અને સપાટો બોલી ગયો ગુનાખોરીની દુનિયાના ખલનાયકો, ભાઈલોગ, ગોડફાધરો, દાદા- ગુંડા મવાલી ભોંય ભીતર થઈ ગયા અથવા ગામ છોડી ચાલ્યા ગયા!
જગદીશ બાંગરવા સાહેબે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે ગુજસીટોકનો કાયદો અમલમાં હતો પણ અમલવારીમાં નહિ એવી વાસ્તવિકતા હતી, તેની કડક અમલવારી કરી રાજકોટની ફલા ફલા એવી કેટલીય ગેંગ્સ જેમકે ઈભલા ગેંગ, મરઘા ગેંગ, પેંડા ગેંગ, શામજી મકા ગેંગ, અશોક સિંઘવ, અલ્તાફ છ આંગળી, હર્ષદ મહાજન જેવા કેટલાયની કમર તોડી નાખી. તેઓએ સાબિત કર્યું કે પોલીસનું કામ ગુન્હા બને જ નહીં તે હોય છે નહીં કે ગુન્હો બની ગયા બાદ ઉકેલતા રહેવાનું! દારૂ જુગાર કે એવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય, કોઈ લુખ્ખા કે અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો જે તેની માહિતી આપશે તેની માહિતી ગુપ્ત રાખી કાર્યવાહી કરવામાં આવશે તે માટે એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવેલો. આટલી લાઇવ પોલીસનો રાજકોટની જનતાને આ પહેલો અનુભવ કહી શકાય. બે મહિનામાં બે બુટલેગર ગેંગ સામે ગુજસીટોક અને ત્રણ દિવસમાં ૧૩૦ દારૂને લગતાં કેસ નોંધી સપાટો બોલાવી દીધેલ. છેલ્લા દોઢેક મહિનામાં ૫૪થી વધુ ગેરકાયદે હથિયાર પકડી પાડ્યા વળી, ગેરકાયદે પૈસા ધીરનાર શખ્સો વિરુદ્ધ પોલીસ કમિશનર ઝા સાહેબની સાથે ઝુંબેશના ભાગરૂપે જનસંપર્ક સભાનું આયોજન કરેલું અને રિક્ષા દ્વારા પ્રચાર કરાવી કાયદેસર લોનની વ્યવસ્થા કરાવી, વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને મુક્તિ અપાવી. કેટલીકવાર અરજદારના પ્રશ્નો પોલીસ સ્ટેશનમાં પતતા નથી હોતા, ત્યારે તે રેસકોર્સ પાસે આવેલ પોલીસ કમિશ્નર કચેરીએ પોલીસ કમિશનરને કે ડીસીપીને રજૂઆત કરવા જતા હોય છે. ત્યારે તેને ઘણો સમય બહાર બેસાડવામાં આવે અને ત્યારબાદ પણ મળવું હોય તો મળે, નહીં તો અન્ય કોઈ અધિકારી પાસે ધકેલે. તેના સ્થાને બાંગરવા સાહેબે અરજદારને તુરંત બોલાવી લેવા અને અંગત રસ લઈ તેના પ્રશ્નોના નિરાકરણ લાવવાની રીત અપનાવી પ્રજાનો વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો છે. રાજકોટમાં હાલમાં વાહન ચોર ગેંગ ઝડપવામાં પણ ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી હતી. આવા ગુનેગારો પકડાય પછી પોલીસ ચોરીનો માલ પણ કબજે કરતી હોય છે, પણ પોલીસ સ્ટેશનમાં એક અદ્રશ્ય સૂચના લખેલી હોય છે કે ચોરાયેલી વસ્તુ મૂળ માલિકને પરત મળશે નહીં. પણ બાંગરવા સાહેબે આનાથી વિપરીત કામ કરી ત્વરિત ધોરણે ચોરાયેલી વસ્તુ મૂળ માલિકને મળે એને માટે પગલાં લઈ લોકોને મૂળ વસ્તુ પાછી અપાવી હતી. રાજકોટ આજી જીઆઈડીસીમાં આવેલી ‘તન્વી ગોલ્ડ’ના કર્મચારીની એક કિલો સોનુ અને ત્રણ કિલો ચાંદીની અંદાજે દોઢેક કરોડની ધોળા દિવસે લૂંટ સાથે પેઢીના કર્મચારી લાલજી સરધારાની હત્યા કરીને નાસી છૂટેલા પરપ્રાંતીય હત્યારાઓને માત્ર પંદર કલાકમાં રાજસ્થાન બોર્ડરથી ઝડપી લીધાને આ ચકચારી કેસમાં લોકોનો પોલીસ પરનો વિશ્વાસ મજબૂત કર્યો હતો. કે આ લેખ લખાય રહ્યો છે ત્યારે સમાચાર આવ્યાં કે ક્રાઈમ બ્રાન્ચે હાંડા ગેંગના ૧૪ આરોપીને ગુજસીટોક હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. રાજકોટ શહેરમાં ઝોન વન અને ટુ બન્નેની અલગ ડીસીપી પોસ્ટ છે પણ પ્રજા ને આવી કોઈ જાણકારી ખાસ હોતી નથી તે તો કામ કરનારા ને ઓળખે, જેમકે ભૂતકાળમાં પણ પી. કે. દત્તા, સતીશ વર્મા, સુભાષ ત્રિવેદી, અત્રણ શર્મા અને સુધીર સિંહાને રાજકોટની જનતા આજે પણ ભૂલી નથી, જેમાં જગદીશ બાંગરવા સાહેબનું નામ પણ ઉમેરાઈ ગયું છે.



