10 લાખનો ખર્ચ છતાં માત્ર 300 લોકો જ હાજર તેમાં પણ 75 ટકાથી વધુ મનપાનો સ્ટાફ
રાજકોટ મહાનગરપાલિકાના 53મા સ્થાપના દિવસની ઉજવણી પાછળ કરવામાં આવેલા લાખોના ખર્ચ સામે કાર્યક્રમની સફળતા સાવ શૂન્યવત્ જોવા મળી હતી. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં જાણીતા કલાકાર ભાવિન શાસ્ત્રીની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે મનપાએ અંદાજે રૂ.10 લાખનો ખર્ચ કર્યો હતો. પરંતુ આટલો મોટો ખર્ચ કરવા છતાં કાર્યક્રમમાં પ્રેક્ષકોને આકર્ષવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હતું. રાત્રિના 10 વાગ્યે મુખ્ય ઓડિટોરિયમમાં માંડ 300 જેટલા લોકો હાજર હતા. તેમાં પણ 75 ટકાથી વધુ મનપાના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થયો ત્યારે ઓડિટોરિયમમાં ખાલી ખુરશીઓનું સામ્રાજ્ય હતું. પ્રેક્ષકોની પાંખી હાજરી જોઈ તંત્રએ તાકીદે સ્ટાફને બોલાવીને ખુરશીઓ ભરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. આટલેથી પણ ફિયાસ્કો અટક્યો નહોતો. બે સ્થળે લગાવવામાં આવેલી એલઈડી સ્ક્રીન સામે પણ પ્રેક્ષકો જોવા મળ્યા નહોતા. એક સ્થળે માત્ર છ વ્યક્તિ હાજર હતી, જ્યારે બીજા સ્થળે સ્ક્રીન અને ખુરશીઓ જ એકબીજાની સામે હતાં, પ્રેક્ષકોનો પત્તો નહોતો! સમાજ કલ્યાણ વિભાગના ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા કરવામાં આવેલો આ નવો પ્રયોગ અંતે સુપરફ્લોપ સાબિત થયો હતો. હવે સવાલ એ છે કે જનતાના ટેક્સના રૂ.10 લાખના ખર્ચ સામે આટલી પાંખી હાજરી માટે જવાબદાર કોણ? શું આયોજન પહેલાં જનરસ અને પ્રતિસાદનો અંદાજ મેળવવામાં આવ્યો હતો કે પછી માત્ર ખર્ચ કરીને કાર્યક્રમ યોજવાની ઔપચારિકતા જ નિભાવાઈ?



