16 થી 29 વર્ષના યુવાનોને બેંકિંગ, રોજગારી અને આર્થિક યોજનાઓ સાથે જોડવા ‘યુવા કનેક્ટ’ પ્રોજેક્ટ
નવો કારોબાર શરૂ કરવા ₹2 લાખ અને કૌશલ્ય વિકાસ માટે ₹7.50 લાખ સુધીની લોન સુવિધા ઉપલબ્ધ થશે
- Advertisement -
જેન-ઝી (Gen-Z)ના આંદોલન બાદ હવે યુવા વર્ગને ખાસ ફોકસમાં રાખીને સહકારી બેંકો દ્વારા યુવા પેઢી માટે વિશેષ ‘યુવા લાઉન્જ’ ખોલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ લાઉન્જ ૧૬ થી ૨૯ વર્ષના યુવાનો માટે રહેશે, જેને મોટા શહેરોમાં ‘કો-વર્કિંગ સ્પેસ’ તરીકે વિકસિત કરવામાં આવશે, જ્યારે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તે આર્થિક સલાહ કેન્દ્ર તરીકે કામ કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગને બેંકિંગ, રોજગારી અને સરકારી આર્થિક યોજનાઓ સાથે જોડવાનો છે. ‘યુવા કનેક્ટ’ અભિયાન હેઠળ સહકારી બેંકો દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત દેશની ૩૦૦ થી ૪૦૦ કોલેજોની ઓળખ કરવામાં આવશે. આ યુવા લાઉન્જ થકી યુવાનોને રોજગારીની નવી તકો સર્જવા અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે, તેમજ અહીં નાણાંકીય યોજના, લોન, વીમા અને પેન્શન સહિતની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ બેંકો મુખ્યત્વે ત્રણ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં યુવા કનેક્ટ બચત ખાતા, યુવા કૌશલ્ય લોન સ્કીમ અને સશક્ત યુવા લોન સ્કીમનો સમાવેશ થાય છે. સશક્ત યોજના હેઠળ યુવાનોને ટુ-વ્હીલર ખરીદવા માટે લોન અપાશે, જ્યારે યુવા સાહસિકોને નવો કારોબાર શરૂ કરવા ₹૨ લાખ સુધીની અને કૌશલ્ય વિકાસ માટે ₹૭.૫૦ લાખ સુધીની લોન સુવિધા આપવામાં આવશે.



