મુસાફરોનો હોબાળો, ટિકિટ કાઉન્ટરની બહાર સૂત્રોચ્ચાર, 9 કલાકની રાહ બાદ ફ્લાઈટ રવાના થઈ
મુંબઈ એરપોર્ટ પર મંગળવારે સાંજે સ્પાઈસજેટની ઘણી ફ્લાઈટ્સ ઉડાન ભરી શકી નહોતી. મંગળવારે સાંજે ૭ વાગ્યા બાદ એરલાઈનની કોઈ પણ ફ્લાઈટ એરપોર્ટ પરથી રવાના થઈ નહોતી. તેના કારણે સેંકડો મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી. ત્યારબાદ તેમણે હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટ્સમાં વિલંબ અને યોગ્ય માહિતી ન મળવાથી મુસાફરોનો ગુસ્સો વધતો ગયો. ઘણા મુસાફરો સ્પાઈસજેટના ટિકિટ કાઉન્ટર પર ભેગા થઈ ગયા અને એરલાઈન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેની અસર મોડી રાતની ફ્લાઈટ્સ પર પણ પડી. રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે રવાના થનારી એક ફ્લાઈટનું બોર્ડિંગ પણ શરૂ થયું નહોતું. મુસાફરો આ વાતને લઈને પરેશાન રહ્યા કે તેમની મુસાફરી ક્યારે શરૂ થશે. ૯ કલાકના વિલંબ બાદ ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી.



