પસંદગીના લગ્ન મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
જસ્ટિસ મૂલચંદ ત્યાગીની ખંડપીઠે નવદંપતીની પોલીસ રક્ષણની અરજી મંજૂર કરી મોટી રાહત આપી
- Advertisement -
પસંદગીથી લગ્ન કરનાર પુખ્ત વયના યુગલોના અધિકારોની રક્ષા કરતો એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે જો કોઈ યુવક અને યુવતી કાયદાકીય રીતે પુખ્ત વયના હોય અને તેઓએ પોતાની રાજીખુશીથી લગ્ન કર્યા હોય, તો તેમના વૈવાહિક કે અંગત જીવનમાં પરિવારજનો કે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકાય નહીં. જસ્ટિસ મૂલચંદ ત્યાગીની ખંડપીઠે નવદંપતી દ્વારા કરવામાં આવેલી પોલીસ રક્ષણની અરજીને મંજૂરી આપીને તેમને મોટી કાયદાકીય રાહત પૂરી પાડી છે. આ સમગ્ર મામલાની વિગતો મુજબ, એક યુવક અને યુવતીએ ગત ૨૬ ઓક્ટોબરના રોજ પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. એટલું જ નહીં, બંનેએ ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૨૬ હેઠળ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. આમ છતાં, એક ફરિયાદને આધારે સ્થાનિક પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને નવદંપતીને હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં, પોલીસ દ્વારા આ નવદંપતીના લગ્નમાં સાક્ષી બનેલી વ્યક્તિની પણ અટકાયત કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસની આ પ્રકારની કનડગત અને હેરાનગતિથી બચવા માટે આખરે દંપતીએ ન્યાયની આશાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને પોલીસ રક્ષણ પૂરું પાડવાની માંગ સાથે અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટની ખંડપીઠે તમામ પાસાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણયથી સમાજમાં પોતાની પસંદગીથી લગ્ન કરનાર અન્ય યુગલોને પણ મોટી હિંમત અને કાયદાકીય સુરક્ષા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રેમલગ્ન કરનાર યુગલોને પરિવાર અને પોલીસના ડરથી રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટનો આશરો લેવો પડતો હોવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. માત્ર સપ્ટેમ્બરથી ઓક્ટોબર ૨૦૨૬ ના બે મહિનાના ટૂંકા સમયગાળામાં જ પોલીસ રક્ષણની માંગ કરતી ત્રણ અલગ-અલગ અરજીઓ હાઈકોર્ટમાં દાખલ થઈ ચૂકી છે. જેમાં ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક દંપતીએ રક્ષણ માટે અરજી કરી હતી. ત્યારબાદ ૨૩ સપ્ટેમ્બરે નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના યુગલે હાઈકોર્ટમાં સુરક્ષાની ગુહાર લગાવી હતી, જ્યારે ૧૪ ઓક્ટોબરના રોજ પાટણના વરાહી પોલીસ સ્ટેશન વિસ્તારના દંપતીએ પણ પોલીસ રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટની શરણ લીધી હતી.



