મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાની જાહેરાત; સ્વૈચ્છિક સંસ્થાઓને સહાય અને શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહક રકમ અપાશે
- Advertisement -
“રાજકોટ – તેરા તુજકો અર્પણ”ના ઉમદા અભિગમ સાથે રાજકોટ મહાનગરપાલિકાએ સુશાસન અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, મનપાના કાર્યક્ષમ અને કરકસરયુક્ત વહીવટના પરિણામે બચત થયેલી આશરે રૂ. ૯૦ લાખની વધારાની રકમનો ઉપયોગ સામાજિક ઉત્તરદાયિત્વ અને લોકહિતના કાર્યોમાં કરવામાં આવશે. આ રકમ દ્વારા શહેરમાં સેવાકીય અને સામાજિક કાર્યો કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને આર્થિક સહાય તેમજ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, રાજકોટની સ્વચ્છતા અને સુખાકારી માટે દિવસ-રાત ફરજ બજાવતા સફાઈ કામદારોની નિષ્ઠાને સન્માનિત કરવા અને પોતાની ફરજ ઉત્તમ રીતે નિભાવતા મનપાના કર્મચારીઓને પ્રોત્સાહક રકમ આપી બિરદાવવા માટે પણ આ ભંડોળ વપરાશે. શહેરના વિકાસમાં નિઃસ્વાર્થ યોગદાન આપનારાઓને “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” સમાન પ્રોત્સાહન આપીને “કરકસરયુક્ત વહીવટથી બચત અને બચતમાંથી સમાજસેવા”ના સૂત્રને સાર્થક કરતો આ નિર્ણય અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.




