રેવન્યુ રેકર્ડની 45 વર્ષ જૂની ભૂલ સુધારાઈ: પડધરીના હરીપર ગામે 5 એકર જમીન સરકાર હસ્તક લેવા આદેશ
પડધરી તાલુકાના હરીપર (ખારી) ગામે સાંથણીમાં ફાળવાયેલી ખેતીની જમીનમાં શરતભંગ અને કબજાફેરના મામલે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી હર્ષવર્ધન જાડેજા દ્વારા મહત્ત્વનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 1981 માં રદ થયેલી સાંથણીની નોંધ રેવન્યુ રેકર્ડ (7/12)માં અસર પામવાની રહી ગઈ હોવાનું સામે આવતા, તેમજ મૂળ ફાળવેલી જગ્યાને બદલે અન્ય સર્વે નંબર પર કબજો હોવાનું જણાતા અંદાજે 5 એકર જેટલી જમીન વિના વળતરે સરકાર હસ્તક દાખલ કરવાનો આદેશ અપાયો છે.આ સમગ્ર વિવાદની વિગતો મુજબ, હરીપર (ખારી) ગામના જૂના સર્વે નં. 69 પૈકી 5 (નવો સર્વે નં. 219) વાળી 5 એકર (હે. 2-02-34 ચો.મી.) જમીન વર્ષ 1977 માં મોરબી પ્રાંત અધિકારીના હુકમથી ગાંગા પુંજાભાઈને નવી અને અવિભાજ્ય શરતે સાંથણીમાં ફાળવવામાં આવી હતી. તેમના અવસાન બાદ વારસાઈ નોંધથી આ જમીન તેમના વારસદારો રામુબેન, લક્ષ્મીબેન, રવજીભાઈ, અજુબેન, શાંતુબેન અને વલ્લભભાઈના સંયુક્ત નામે ચાલતી હતી. જોકે, પડધરી મામલતદાર દ્વારા કરાયેલી સ્થળ તપાસ અને પંચરોજકામમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે છેલ્લા 15 વર્ષથી (2007-08 થી 2023-24) આ જમીનમાં કોઈ પાક લેવાયો નથી અને જમીન પડતર છે. આ ઉપરાંત, મૂળ સાંથણીદારને સર્વે નં. 69 પૈકીની જમીન ફાળવાઈ હતી, પરંતુ હાલના ખાતેદારો સર્વે નં. 66 પૈકીની જમીન પર કબજો ધરાવતા હોવાનું ખુલ્યું હતું.કેસની સુનાવણી દરમિયાન રેવન્યુ રેકર્ડની ઝીણવટભરી તપાસ કરતા વધુ એક મોટો ઘટસ્ફોટ થયો હતો કે, મૂળ સાંથણીનો હુકમ વર્ષ 1981 માં જ રદ કરી દેવામાં આવ્યો હતો અને તેની હક્કપત્રક નોંધ નં. 188 પણ વર્ષ 1983 માં પ્રમાણિત થઈ હતી. પરંતુ તે સમયે ગામ નમૂના નં. 7/12 ના સાંકળિયામાં આ નોંધની અસર આપવાની રહી જતાં જમીન ખાતેદારોના નામે ચાલુ રહી હતી. સુનાવણીમાં સામાવાળા પક્ષે આ જમીન પર જ પરિવારનું ગુજરાન ચાલતું હોવાની અને કાયદાથી અજ્ઞાન હોવાની રજૂઆત કરી શરતભંગમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. જોકે, રેકર્ડ પરના નક્કર પુરાવાઓ ધ્યાને લઈ નાયબ કલેક્ટર હર્ષવર્ધન જાડેજાએ નોંધ નં. 188 ની અસર 7/12 માં દાખલ કરી જૂના સર્વે નં. 69 વાળી જમીન સરકાર હસ્તક ગણવા, તેમજ સર્વે નં. 66 વાળી 5 એકર જમીન કબજાફેર બદલ સરકાર દાખલ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ પડધરી મામલતદારને બંને સર્વે નંબરની જમીનનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.




