રાજકોટ મનપા અને ચિત્રનગરી આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓ જાહેર
વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર એનાયત થશેઃ વિવિધ માપદંડોને આધારે નિર્ણાયકોએ પસંદ કર્યા રંગોળી સ્પર્ધાના શ્રેષ્ઠ કલાકારો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે દિવાળી કાર્નિવલ અંતર્ગત રેસકોર્ષ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ વિસ્તારોમાંથી ૨૬૮થી વધુ કલાકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધકોએ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા, રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર પરંપરાગત અને આધુનિક શૈલીના સમન્વય સાથે આકર્ષક રંગોળીઓ કંડારી હતી. બારીક નકશીકામ અને રંગોના સુંદર સંયોજનથી સમગ્ર રેસકોર્ષ પરિસર કલામય બની ગયું હતું. નિર્ણાયકોએ વિષયની પસંદગી, કલાત્મક અભિવ્યક્તિ, નવીનતા, સ્વચ્છતા અને બારીકાઈના માપદંડોને આધારે વિજેતાઓની પસંદગી કરી હતી.
મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમણિયા, દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે આ સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આસિતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ દવે, એમ. યુ. ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, નલીનભાઈ સૂચક, ચૈતન્યભાઈ વ્યાસ, મુકેશભાઈ ડોડિયા અને મુકેશભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ચિત્રનગરીના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા, મૌલિકભાઈ ગોટેચા, સુરેશભાઈ રાવલ, મુકેશભાઈ વ્યાસ, રશેશભાઈ વ્યાસ, હરદેવસિંહ વાઘેલા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
સ્પર્ધાના વિજેતાઓ અને રોકડ પુરસ્કાર:
- ગ્રુપ રંગોળી (પ્રત્યેક ટીમને રૂ. ૫,૦૦૦ પુરસ્કાર): ૧. ધૃતિ હરસોડા અને ટીમ ૨. માહી અકબરી અને ટીમ ૩. શક્તિરાજ જાડેજા અને ટીમ
- ઇન્ડિવિડ્યુઅલ રંગોળી (પ્રત્યેક વિજેતાને રૂ. ૫,૦૦૦ પુરસ્કાર): ૧. અમુલ કંજારિયા ૨. રોનક માલી ૩. મૈત્રી વેકરીયા ૪. જીજ્ઞેશ ધોળકિયા ૫. દર્પણ ધોળકિયા
- ડેકોરેટિવ રંગોળી (પ્રત્યેક વિજેતાને રૂ. ૨,૫૦૦ પુરસ્કાર): ૧. ઈશિતા રાચ્છ ૨. સ્વાતી જીવરાની ૩. ક્રિશ બડેલિયા ૪. શ્યામ પટેલ ૫. કપિલ સોમૈયા




