બાલીમાં યોજાયેલી બોર્ડની બેઠકમાં કરાઈ બિનહરીફ પસંદગી
વિશ્વભરમાં ક્રિકેટને આગળ વધારવા પર ભાર મૂકાયોઃ જય શાહ ICCના ચેરમેન પદ સંભાળનારા પાંચમા ભારતીય, 2028ના ઓલિમ્પિક્સ પર રહેશે વિશેષ નજર
- Advertisement -
ભારતીય રમત પ્રશાસક જય શાહ સતત બીજા કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. કાઉન્સિલની બોર્ડ અને કમિટી બેઠકોમાં તેમની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાયેલી બેઠકમાં ડિરેક્ટર્સે જય શાહને ફરીથી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. પુનઃચૂંટાયા બાદ જય શાહે જણાવ્યું હતું કે ICCના અધ્યક્ષ તરીકે કામ કરવું એ તેમના માટે ગર્વ અને સન્માનની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે ક્રિકેટના સૌથી મહત્વપૂર્ણ અને રોમાંચક તબક્કામાં છીએ, અને વર્ષ ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી નવા દર્શકો સુધી પહોંચવાની મોટી તક પૂરી પાડશે. માત્ર મોટી ટુર્નામેન્ટોનું સફળ આયોજન જ નહીં, પરંતુ ખેલાડીઓ, ચાહકો અને તમામ હિસ્સેદારોના હિતોનું રક્ષણ કરીને ક્રિકેટનું ભવિષ્ય મજબૂત બનાવવું તે મુખ્ય પ્રાથમિકતા રહેશે. અગાઉ ૨૦૨૪માં તેઓ ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લઈને પ્રથમવાર ICCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે જય શાહ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર બાદ ICC ચીફનું પદ સંભાળનાર પાંચમા ભારતીય છે. અમદાવાદ ક્રિકેટ બોર્ડથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શાહ છેલ્લા ૧૭ વર્ષથી રમતગમતના ક્ષેત્રમાં સક્રિય રહીને વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.
ICCએ જાહેર કર્યું 2035 સુધીનું શિડયુલ : ભારતમાં રમાશે 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 ODI વર્લ્ડ કપ
આઈસીસી દ્વારા વર્ષ ૨૦૩૫ સુધીના મુખ્ય પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ્સના આયોજનની ‘વિન્ડો’ અને અધિકૃત કેલેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ભારત આગામી વર્ષોમાં બે મોટા વૈશ્વિક આયોજનોની યજમાની સંભાળશે. જેમાં ૯ થી ૨૮ ઓક્ટોબર, ૨૦૨૯ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી અને ૯ ઓક્ટોબરથી ૨૩ નવેમ્બર, ૨૦૩૧ સુધી ODI વર્લ્ડ કપ રમાશે. ૨૦૩૧ ના વનડે વર્લ્ડ કપની યજમાની ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે કરશે.ઉલ્લેખનીય છે કે, ભારતે આ અગાઉ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩માં વનડે વર્લ્ડ કપની સફળ યજમાની કરી હતી, જ્યારે વર્ષ ૨૦૦૬ બાદ ભારત પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા જઈ રહ્યું છે.



