પાંચ લાખ પુસ્તકો અને ૨૪ કલાક વાંચનની સુવિધા હોવા છતાં વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે; દિવાળી વેકેશન બાદ શરૂ થશે : કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ૨૪ કલાક વાંચન સહિતની અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુથી રૂ. ૭.૨૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અદ્યતન સેન્ટ્રલ લાઈબ્રેરી લોકાર્પણના ત્રણ માસ બાદ પણ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. ગત તા. ૨ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવા છતાં, હજુ સુધી તે શરૂ ન થતાં વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓના લાભથી વંચિત રહ્યા છે.વર્ષ ૨૦૨૧માં આ લાઈબ્રેરી બનાવવાનું નક્કી થયા બાદ કોરોના કાળમાં મજૂરોની અછતને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો. ત્યારબાદ ૨૦૨૪ની શરૂઆતમાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયા પછી પણ વિવિધ કારણોસર લોકાર્પણ અટક્યું હતું. હવે લોકાર્પણ થયા બાદ પુસ્તકોનું સ્થળાંતર અને RFID સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં વિલંબ થતાં લાઈબ્રેરી શરૂ થઈ શકી નથી. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, નવી સેન્ટ્રલ લાઈબ્રેરીનું કામ આખરી તબક્કામાં છે અને દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે વિધિવત ખુલ્લી મૂકવામાં આવશે.
- Advertisement -
નવી આધુનિક લાઈબ્રેરીની મુખ્ય વિશેષતાઓ અને ખાસિયતો
- ભવ્ય બાંધકામ: રૂ. ૭.૨૧ કરોડના ખર્ચે બનેલું આ ત્રણ માળનું બિલ્ડિંગ સૌરાષ્ટ્રમાં પ્રથમ ગોળાકાર કાચની ઈમારત છે, જેમાં કુદરતી પ્રકાશ માટે રિફ્લેક્ટિવ ગ્લાસનો ઉપયોગ કરાયો છે.
- બેઠક અને પુસ્તક ક્ષમતા: અહીં એકસાથે ૧,૦૦૦ વિદ્યાર્થીઓ વાંચન કરી શકશે. લાઈબ્રેરીમાં આશરે ૫ લાખ પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનો સંગ્રહ તેમજ દુર્લભ પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
- ડિજિટલ અને આધુનિક સુવિધા: પુસ્તકોની સુરક્ષા અને ડિજિટલ નોંધણી માટે RFID સિસ્ટમ, ઈ-કન્ટેન્ટ અને ઈ-બુક્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઈન્ટરનેટ માટે ૨૫ વિદ્યાર્થીઓ માટે ખાસ વાઈફાઈ રૂમ પણ બનાવાયો છે.
- અન્ય વ્યવસ્થા: લાઈબ્રેરીમાં ૨૪ કલાક વાંચનની સુવિધા, વિદ્યાર્થીઓ માટે બે લિફ્ટ, દરેક માળે સ્ટોરેજ રૂમ અને બુક એરિયા ઉપરાંત આર.ઓ. પ્લાન્ટ, વોટર કૂલર અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ પૂર્ણ કરવામાં આવી છે.




