2147 અર્ચકો મહાઆરતી કરશે, CM યોગી ભગવાન રામનો રાજ્યાભિષેક કરશેઃ રામનગરી અયોધ્યામાં 10 લાખ શ્રદ્ધાળુ પહોંચશે
અયોધ્યામાં આજે શનિવારે ૧૦મો દીપોત્સવ મનાવવામાં આવશે. સરયૂ નદીના કિનારે રામ કી પૈડીના ૫૬ ઘાટોને શણગારવામાં આવ્યા છે. સાંજે અહીં ૩૦ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ મહાઆરતીમાં ૨,૧૪૭ અર્ચકો એકસાથે સામેલ થશે. જ્યારે, ૨,૧૦૦ ડ્રોન આકાશમાં રામાયણના પ્રસંગોને જીવંત કરશે. આ પહેલાં બપોરે રામકથા પાર્કમાં ઉપરાષ્ટ્રપતિ ડો. સી.પી. રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. અહીં અનેક દેશોની ટીમો આંતરરાષ્ટ્રીય રામલીલાનું મંચન કરશે. દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં માત્ર ૬ હજાર શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે. જિલ્લા પ્રશાસને તેમના માટે અગાઉથી પાસ જાહેર કરી દીધા છે. જોકે, મુખ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ રામ કી પૈડી પર જઈને દીપોત્સવ નિહાળી શકશે. શ્રીરામ જન્મભૂમિ મંદિરને રંગબેરંગી રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દીપોત્સવ નિહાળવા માટે દેશભરમાંથી આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે.



