રણબીરની શાંત મર્યાદા સામે યશનો રૌદ્ર અવતાર: ભવ્ય વિઝ્યુઅલ્સ સાથે ₹4000 કરોડની ‘રામાયણ’ કેટલી ખરી ઊતરી?
પોસ્ટ-ક્રેડિટ સીનમાં છવાયા સની દેઓલ: હનુમાનજી તરીકે એન્ટ્રી અને ‘જય શ્રી રામ’નો નાદ, પણ ચહેરો રાખ્યો સસ્પેન્સ
- Advertisement -
એક તરફ અયોધ્યાના રાજકુમાર રામ છે, જેમના માટે મર્યાદા સૌથી મોટો ધર્મ છે. બીજી તરફ લંકાનો રાજા રાવણ છે, જેની પાસે જ્ઞાન પણ છે, શક્તિ પણ છે અને ત્રણેય લોક પર રાજ કરવાનો અહંકાર પણ છે. આ બંનેના સામસામે આવતાં પહેલાંની વાર્તાને લગભગ 4000 કરોડ રૂપિયાના વિશાળ સિનેમાઈ કેનવાસ પર રજૂ કરવી સરળ વાત નથી.ખાસ કરીને ત્યારે, જ્યારે વાર્તા માત્ર મનોરંજન પૂરતી સીમિત ન હોય, પરંતુ કરોડો લોકોની આસ્થા સાથે પણ જોડાયેલી હોય. નિતેશ તિવારીની ‘રામાયણ પાર્ટ વન’ આ જવાબદારી સાથે પડદા પર આવે છે. રણબીર કપૂર રામના રૂપમાં ગંભીર અને ગૌરવપૂર્ણ દેખાય છે, તો યશનો રાવણ અવતાર પોતાના દબદબાથી આગવી ઓળખ બનાવે છે.ફિલ્મમાં અયોધ્યાની ભવ્યતા છે.રસપ્રદ વાત એ છે કે, ફિલ્મની શરૂઆત રામથી નહીં, પરંતુ રાવણથી થાય છે. વાર્તા પહેલા લંકાના એ રાજાની દુનિયામાં લઈ જાય છે, જેના પાસે અપાર શક્તિ અને જ્ઞાન છે, તેમજ પોતાની તપસ્યાથી પ્રાપ્ત કરેલા વરદાનોનું ગૌરવ પણ છે.રાવણ (યશ) કઠોર તપસ્યા કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરે છે અને વરદાન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ તેની મહત્ત્વાકાંક્ષા વધતી જાય છે. તે ઇન્દ્રને પરાજિત કરે છે અને પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી લંકાનું અધિકાર મેળવી લે છે. ફિલ્મ રાવણના ઉદય સાથે તેના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં પણ રજૂ કરે છે.રાવણને દશાનન કેમ કહેવામાં આવે છે અને તેના દસ મસ્તકોની પૌરાણિક ઓળખ શું છે, આ પાસાને પણ વાર્તામાં સ્થાન મળે છે. અહીં રાવણ માત્ર એક શક્તિશાળી રાજા નથી, પરંતુ જ્ઞાન, તપસ્યા અને અહંકારનો એવો સંગમ છે, જેની મહત્ત્વાકાંક્ષાની કોઈ સીમા નથી.આ પછી વાર્તા અયોધ્યા તરફ વળે છે. ભગવાન વિષ્ણુના અવતાર રામ (રણબીર કપૂર)નો જન્મ રાજા દશરથના ઘરે થાય છે. તેમનું બાળપણ, ઋષિ વિશ્વામિત્ર સાથેની યાત્રા, મિથિલામાં સીતા (સાઈ પલ્લવી)ના સ્વયંવરમાં શિવધનુષ તોડવું અને વિવાહ જેવા પ્રસંગો દર્શાવવામાં આવે છે.ફિલ્મનું પોસ્ટ-ક્રેડિટ સીન પણ ખાસ છે. તેમાં હનુમાનજી (સની દેઓલ)ની ઝલક બતાવવામાં આવે છે. તેમને પાછળથી અને બાજુથી ઊડતા દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન ‘જય શ્રી રામ’નો નાદ સંભળાય છે, પરંતુ તેમનો ચહેરો દેખાડવામાં આવતો નથી. આ નાનો સીન આગળ આવનારી વાર્તાની એક ઝલક આપે છે.ભગવાન રામનું પાત્ર ભજવવું કોઈપણ એક્ટર માટે મોટી જવાબદારી છે. રણબીર કપૂર આ ભૂમિકામાં સંયમ અને ગંભીરતા લાવે છે. તેના ચહેરા પર શાલીનતા અને વર્તનમાં મર્યાદા દેખાય છે. તે શ્રીરામને જરૂર કરતાં વધુ નાટકીય બનાવવાને બદલે સહજ અને ગૌરવપૂર્ણ રાખવાનો પ્રયાસ કરે છે.સાઈ પલ્લવી (સીતા) પોતાની સ્વાભાવિક અદાકારી અને ભાવપૂર્ણ અભિવ્યક્તિથી પાત્રમાં સહજતા લાવે છે. રવિ દુબે (લક્ષ્મણ)ના અભિનયમાં ભાઈ પ્રત્યેનું સમર્પણ અને રક્ષકની ભાવના દેખાય છે.રામાયણની ઘટનાઓ દર્શકોને પહેલેથી જ ખબર છે, પરંતુ તેને કયા ક્રમમાં અને કઈ રીતે રજૂ કરવામાં આવે છે, એ જ સ્ક્રીનપ્લેનો ખરો પડકાર છે.ફિલ્મ રાવણની પૃષ્ઠભૂમિથી શરૂઆત કરીને રામના જન્મ, લગ્ન, વનવાસ અને સીતાના હરણ સુધી પહોંચે છે. આ દરમિયાન બંને સંસારને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાર્તાનો વ્યાપ પહેલા ભાગમાં મર્યાદિત રાખવામાં આવ્યો છે, જેથી આગળ થનારા સંઘર્ષ માટે પાયો તૈયાર થઈ શકે.3 કલાક 15 મિનિટની લંબાઈ હોવા છતાં કેટલાક ભાગોમાં વાર્તાની ગતિ ધીમી પડી જાય છે. કેટલીક ઘટનાઓને વધુ કસાવટ સાથે રજૂ કરી શકાય હતી. ફિલ્મનો અંત પણ કોઈ પરંપરાગત વિજયી ક્લાઇમૅક્સ જેવો નથી, પરંતુ આગળ થનારી મોટી લડાઈની શરૂઆતના સંકેત સાથે થાય છે.’રામાયણ પાર્ટ વન’ ભારતીય સિનેમાનો એક મોટો અને મહત્વાકાંક્ષી પ્રયત્ન છે. રણબીર કપૂર રામની ભૂમિકામાં ગંભીરતા અને મર્યાદા લઈને આવે છે, જ્યારે યશ પોતાના રાવણ અવતારથી ખાસ છાપ છોડે છે. શાનદાર VFX, વિશાળ પ્રોડક્શન ડિઝાઇન અને પૌરાણિક વિશ્વની ભવ્યતા ફિલ્મની સૌથી મોટી તાકાત છે.કેટલાક ભાગોમાં વાર્તાની ધીમી ગતિ, સંવાદોનો અપેક્ષિત પ્રભાવ ન પાડી શકવો અને યાદગાર થીમ મ્યુઝિકનો અભાવ તેના અનુભવને થોડો ઓછો કરે છે. રાક્ષસોના VFXમાં પણ કેટલીક જગ્યાએ સુધારાની શક્યતા છે.તેમ છતાં ફિલ્મમાં મોટા પડદા પર જોવા લાયક ઘણું બધું છે. ખાસ કરીને યશનો રાવણ અને ફિલ્મનું વિશાળ દૃશ્યાત્મક વિશ્વ. પહેલો અધ્યાય પૂરો થતાં-થતાં દર્શકો સામે સૌથી મોટો પ્રશ્ન છોડી જાય છે કે હવે રામ અને રાવણ વચ્ચે થનાર મહાયુદ્ધ પડદા પર કેટલું ભવ્ય હશે.




