આસપાસના ઘરોને નુકસાન, ગાડીઓના કાચ તૂટ્યા, અડધા કિ.મી. સુધી ધડાકો સંભળાયો
રાજસ્થાનના નાગૌરમાં ગુરુવારે સવારે ૯.૪૦ વાગ્યે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો. બડલી વિસ્તારમાં બનેલી ઘટનામાં પિતરાઈ ભાઈઓ મુજિદ સોરગર (૩૨) અને મોહમ્મદ આમિર સોરગર (૨૮)નાં મોત થયાં. ધડાકો એટલો જોરદાર હતો કે ભાઈઓના મૃતદેહોના ચીંથરા ઊડી ગયા. શરીરના અનેક અંગો ધડાકો થયેલી જગ્યાથી ૧૦થી ૧૫ ફૂટના અંતરે મળ્યા. એફએસએલની ટીમે પ્લાસ્ટિકની થેલીમાં મૃતદેહોના ટુકડાઓ ભેગા કર્યા. બ્લાસ્ટને કારણે આશરે ૧૦૦ ફૂટના વિસ્તારમાં આવેલા ઘરો અને વાહનોને પણ નુકસાન થયું છે. આ ગોડાઉનમાં પોટેશિયમ નાઇટ્રેટ મિક્સ કરીને દારૂગોળો બનાવવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનના માલિકનું નામ અમીન છે. આગ લાગવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે ગોડાઉનમાં કેટલા લોકો હતા, તેની માહિતી મેળવવામાં આવી રહી છે. બે યુવકોનાં મોત ઘટનાસ્થળે જ થઈ ગયાં, જ્યારે બચાવ કામગીરી દરમિયાન ૨ ગંભીર રીતે ઘાયલ યુવકો પણ મળી આવ્યા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસનાં ઘરોને પણ નુકસાન થયું. ઘટનાસ્થળથી લગભગ ૧૦૦ ફૂટ દૂર ઊભેલી એક બસના તમામ કાચ તૂટી ગયા, જ્યારે આસપાસનાં મકાનોની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ. જે ગોડાઉનમાં વિસ્ફોટ થયો છે, તેના એક ભાગમાં તૈયાર ફટાકડાનો જથ્થો પણ રાખેલો મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગોડાઉન માલિક પાસે ફટાકડાનું કાયમી લાઇસન્સ છે. જોકે, લાઈસન્સ કેટલા જથ્થા માટે છે અને અહીં કેટલી માત્રામાં ફટાકડા તથા પોટેશિયમ નાઈટ્રેટ હતું, તે અંગે સત્તાવાર માહિતી નથી.



