મુસાફરોએ પાટા પર ચાલવું પડ્યું, વિક્રોલી-થાણે લાઇન પર સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ 24 સિગ્નલ પર અસર
મુંબઈમાં સોમવારે રેલવે ટ્રેક પર ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા. મુંબઈમાં સોમવારે ઘણી લોકલ ટ્રેનો ૧૦ કલાક સુધી ફસાઈ રહી અને મુસાફરોને ટ્રેક પર ચાલવું પડયું. ત્યારબાદ સાંજે ટ્રેક પર મૃતદેહો મળી આવ્યા. મુંબઈની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં આ મુશ્કેલી સવારે ૧૦:૦૦ વાગ્યે કાંજુરમાર્ગ સ્ટેશન નજીક લાગેલી આગને કારણે સર્જાઈ હતી. ત્યારબાદ વિક્રોલી-થાણે લાઇન પર સિગ્નલિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ.રિપોર્ટ્સ અનુસાર, ઘાટકોપર-વિક્રોલી સેક્શનમાં બે લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંનેને રાજાવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ભાંડુપમાં પણ ટ્રેનની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક પાટા ઓળંગી રહ્યો હતો, ત્યારે તે ટ્રેનની અડફેટે આવી ગયો. સિગ્નલિંગ સિસ્ટમ ફેલ થવાના કારણે મેઈન લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ઘણા કલાકો સુધી સંપૂર્ણપણે ઠપ રહી, જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કાંજુરમાર્ગ સ્ટેશનના રિલે રૂમમાં આગ લાગવાથી સિગ્નલિંગ સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી અને ત્યાંની ચારેય લોકલ લાઇનો પર સેવા બંધ થઈ ગઈ હતી. જોકે સાંજ સુધીમાં સેવાઓ પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી.
રેલવે અધિકારીઓ અનુસાર, કાંજરમાર્ગમાં સિગ્નલિંગ હટમાં આગ લાગવાથી કાંજુરમાર્ગ અને ભાંડુપ સ્ટેશનો વચ્ચેની તમામ છ લાઇનો પર આશરે ૨૪ સિગ્નલ અસરગ્રસ્ત થયા હતા. સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન પર દોડતી લોકલ ટ્રેનોના સમયપત્રક અને લાંબા અંતરની ટ્રેન સેવાઓ પર અસર પડી. આ મેઇન લાઇન દક્ષિણ મુંબઈને મુંબઈ મેટ્રોપોલિટન રીજનના થાણે અને રાયગઢ જિલ્લાઓના દૂરના વિસ્તારો સાથે જોડે છે. મધ્ય રેલવેની મેઈનલાઇન દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ને થાણે જિલ્લાના કલ્યાણ સાથે જોડે છે. કલ્યાણ ખાતે આ રૂટ બે ભાગમાં વહેંચાઈ જાય છે – એક ભાગ થાણેમાં કસારાની તરફ જાય છે, જ્યારે બીજો રાયગઢ જિલ્લામાં ખોપોલીની તરફ જાય છે.




