રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓમપ્રકાશની હાર ચર્ચામાં
કુલ 1600 મતોમાંથી પરિવારના 11 અને મિત્રોના 20-22 મત મળ્યા
- Advertisement -
પ્રચાર દરમિયાન દેશી ઘીનું જમવાનું અને કાજુ કતરી ખવડાવ્યા છતાં કારમી હાર
રાજસ્થાન પંચાયત ચૂંટણીના પ્રથમ તબક્કાના પરિણામોમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ફલોદીના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા સ્ટાર ઓમપ્રકાશ બિશ્નોઈ ભારે ચર્ચામાં આવ્યા છે. ફલોદીની ઈન્દ્રો કી ઢાણી-૨ ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદ માટે મેદાનમાં ઉતરેલા ઓમપ્રકાશ બિશ્નોઈને ચૂંટણી પરિણામોમાં મોટો ઝટકો લાગ્યો છે. પંચાયતમાં કુલ ૧૬૦૦ મતદારો હોવા છતાં તેમને માત્ર ૩૩ મત જ મળ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ પોતાની પ્રતિક્રિયા આપતા ઓમપ્રકાશે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ગાયોની સેવા અને અનેક ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા છે. માત્ર જનસેવાના શુદ્ધ ઉદેશ્યથી જ તેમણે આ ચૂંટણી લડી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે મતદારોને દેશી ઘીનું ભોજન પણ જમાડયું હતું. જોકે, જ્યારે પરિણામો આવ્યા ત્યારે તેમને કુલ ૩૩ મત જ મળ્યા, જેમાંથી ૧૧ મત તેમના પોતાના પરિવારના અને ૨૦ થી રર મત મિત્રોના હતા. પોતાની હારનું વિશ્લેષણ કરતા તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ હંમેશાં નશાબંધીના સમર્થક અને નશાના કટ્ટર વિરોધી રહ્યા છે. આ ચૂંટણીમાં તેમણે મતદારોને રીઝવવા માટે દારૂ કે અન્ય નશીલી ચીજવસ્તુઓની વહેંચણી નહોતી કરી. તેમના મતે, હજુ પણ ચૂંટણીમાં લોકો આવી પ્રલોભન આપતી ચીજવસ્તુઓના આધારે જ મતદાન કરતા હોય છે, જેના કારણે તેમને આ હારનો સામનો કરવો પડયો છે.
‘દારૂનું વિતરણ કર્યું નહીં એટલે મત ન મળ્યા’
પોતાની હાર અંગે વાત કરતાં ઓમપ્રકાશે દાવો કર્યો કે તેઓ હંમેશાં નશાના વિરોધી રહ્યા છે અને ચૂંટણી દરમિયાન તેમણે દારૂનું વિતરણ કર્યું નહોતું. તેમના મતે, કેટલાક મતદારો દારૂ જેવી વસ્તુઓના આધારે મતદાન કરે છે, જેના કારણે તેમને ઓછા મત મળ્યા. ઓમપ્રકાશે જૂની વિચારસરણીને પણ પોતાની હારનું કારણ ગણાવી હતી. જોકે, તેમની હાર પાછળનું વાસ્તવિક કારણ શું હતું તે અંગે મતદારોના અભિપ્રાય અથવા અન્ય વિગતો ઉપલબ્ધ નથી. આ પરિણામે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવા અને સ્થાનિક ચૂંટણીમાં મતદારોનું સમર્થન મળવું-આ બંને વચ્ચેનો તફાવત ફરી ચર્ચામાં આવ્યો છે.




