મોંઘવારી અને કથળતી સેવાઓ સામે 8થી 10 લાખ લોકો રસ્તા પર, હિંસા-આગચંપીથી ગૃહયુદ્ધ જેવો માહોલઃ લિમોઝમાં 140 વર્ષ જૂનો ઐતિહાસિક ટાઉન હોલ સળગાવાયોઃ પેરિસ સહિતના શહેરોમાં તોડફોડ અને લૂંટફાટ
ફ્રાન્સમાં કથળતી જતી જાહેર સેવાઓ, આકાશને આંબતી મોંઘવારી અને શાળાઓની બદતર સ્થિતિ સામે દેશભરમાં પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. જેન-ઝી (યુવા પેઢી) અને વિવિધ ટ્રેડ યુનિયનોની આગેવાની હેઠળ દેશભરમાં
લાખો લોકો રસ્તા પર ઊતરી આવતાં સરકાર સામે બળવો પોકાર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ રાષ્ટ્રવ્યાપી આંદોલને સાંજ પડતાં હિંસક વળાંક લેતાં પેરિસ, માર્સેલી, લિમોઝ અને તુલોઝ સહિતના શહેરોમાં ભારે
અરાજકતા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેના પગલે ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવી ભયાનક સ્થિતિ પેદા થઈ છે. વિગતો અનુસાર, લિમોઝ શહેરમાં ૧૯મી સદીના ઐતિહાસિક ૧૪૦ વર્ષ જૂના ટાઉન હોલ સહિત અનેક
સરકારી ઈમારતોને તોફાની તત્વોએ આગ ચાંપી દીધી હતી. પેરિસના રસ્તાઓ પર બંધ દુકાનોના શટર તોડી બેફામ લૂંટફાટ કરવામાં આવી હતી તેમજ વાહનો સળગાવી પોલીસ પર ભારે પથ્થરમારો કરાયો હતો. આ ઘર્ષણમાં
અર્ધલશ્કરી દળો અને ફાયરફાઈટર્સ સહિત ૬૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે પેરિસમાં હાર્ટ એટેકથી એક દેખાવકારનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે સમગ્ર દેશમાંથી હિંસા આચરનારા ૨,૦૦૦થી વધુ
લોકોની ધરપકડ કરી છે, જેમાં માત્ર પેરિસમાંથી જ ૫૫૭ દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે.




