તહેવારો ટાણે શાકભાજીના ભાવ આસમાને, સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયું
એક તરફ નવરાત્રિ સહિત તહેવારોની ખરીદીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ સામાન્ય માણસના રસોડાનું બજેટ ખોરવાયું છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવકમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઓછી આવક અને વધતી માંગને લીધે છૂટક બજારમાં મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિ કિલો ૮૦-૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં શાકભાજી માર્કેટમાં ભાવ વટાણા અને લીંબુ મોંઘાદાટ થયાં છે. હોટેલથી લઈને ઘરના રસોડા સુધી દરેક વાનગીમાં વપરાતા વટાણાનો ભાવ પ્રતિ કિલો ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે વિટામિન-સીથી ભરપૂર લીંબુ પણ બજારમાં ૨૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. માત્ર વટાણા જ નહીં, પરંતુ રોજિંદા ભોજનમાં વપરાતા અન્ય શાકભાજી પણ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહ્યા છે.
હાલ બજારમાં તુરીયા, કારેલાં અને મેથી પ્રતિ કિલો ૮૦-૧૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત રીંગણ, ફ્લાવર, ગાજર અને કોથમીરના ભાવ પણ ૮૦-૯૦ રૂપિયાએ પહોંચ્યા છે. નિયમિત વપરાશમાં આવતી કાંકડી અને ડુંગળી ૭૦ રૂપિયા જ્યારે કોબી અને ટામેટાં ૪૦-૫૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. આ ઉપરાંત ૨૦-૩૦ રૂપિયે કિલો વેચાતી ડુંગળીના ભાવ છેક ૭૦ રૂપિયા થયા છે. આદુના ભાવ પણ ૧૫૦-૧૮૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યુ છે. બટાકાના ભાવ પણ ૪૦ રૂપિયા થયાં છે. શાકભાજીના વધતાં ભાવને લીધે ગ્રાહકો હવે ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુસાર, સીઝનલ ફેરફારો અને પાકને થયેલા નુકસાનને કારણે પાછલા થોડા દિવસોથી જથ્થાબંધ બજારમાં જ માલ ઓછો આવી રહ્યો છે. જ્યાં સુધી નવી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે. બીજી તરફ, ગૃહિણીઓનું કહેવું છે કે મોંઘવારીના કારણે હવે રસોડાનું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બન્યું છે, અને શાકભાજીના બજેટમાં બમણો ખર્ચ કરવો પડી રહ્યો છે.




