આવક, જાતિના દાખલા અને વિધવા સહાય સહિતની જનહિત સેવાઓ અટકી, 14 પડતર માંગણીનો મામલો
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના નિરાકરણ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. અગાઉ માસ સી.એલ. રાખીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યા બાદ પણ કોઈ સકારાત્મક પ્રતિસાદ કે ઉકેલ ન મળતાં, આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના રેવન્યુ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળના પગલે સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય, ઈ-ધરા સહિતની તમામ પ્રજાલક્ષી કામગીરીઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતભરમાંથી અંદાજે ૧૧,૦૦૦ થી ૧૨,૦૦૦ જેટલા મહેસૂલી કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. જેમાં રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તથા કલેક્ટર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મહેસૂલી મામલતદાર અને તલાટીઓ સહિત ૪૫૦ જેટલા કર્મચારીઓ કામકાજથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યા છે. અગાઉ એક મહિના પહેલાં મહામંડળ દ્વારા રાજ્ય સરકારને આ પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે પૂરતો સમય અપાયો હતો. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં કર્મચારીઓએ સોમવારે માસ સી.એલ. પર ઉતરીને પ્રતીક વિરોધ નોંધાવ્યો હતો. સરકારી સ્તરેથી કોઈ હકારાત્મક વલણ ન દાખવવામાં આવતાં આખરે નાછૂટકે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ફરજ પડી છે. મનીષ ગિધવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, મહેસૂલી કર્મચારીઓ હંમેશા જાહેર રજાઓ અને નિયત ઓફિસ સમય બાદ પણ રાત-દિવસ પ્રજાના કામો માટે ખડેપગે રહે છે. જનતાને કોઈપણ મુશ્કેલી ન પડે તેનો સતત ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા વારંવારની રજૂઆતો માંગણીઓ કર્મચારીઓને આ આકરો રસ્તો પસંદ કરવો પડયો છે. આ હડતાળથી સામાન્ય જનતાને પડતી અગવડતા બદલ દિલગીરી વ્યક્ત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સરકાર તરફથી લેખિત અને સકારાત્મક ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.




