મનપાનાં સ્ટે. ચેરમેન સહિત પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી
વેપારીઓ-મજૂરોની વ્યથા સાંભળી, મજુરે આક્રોશ ઠાલવતા કહ્યું- પેટનો ખાડો કેમ બુરવો ?
- Advertisement -
રાજકોટ શહેરના મધ્યમાં આવેલી અને ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવા માટે નવેમ્બર 2025માં સીલ કરવામાં આવી હતી. જોકે, માર્કેટ બંધ થયાને લાંબો સમય વિતી ગયો હોવા છતાં રિનોવેશનનું કામ શરૂ નહીં થતાં સ્થાનિક વેપારીઓ અને મજૂરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિનાં ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતનાં પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને વેપારીઓ તથા મજૂરોની વ્યથા સાંભળી હતી. જેમાં એક મજુરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું અહી મજૂરી કરતો હતો, પણ તાળા મારવામાં આવતા પેટનો ખાડો કેમ બુરવો તે પ્રશ્ન છે. જોકે સ્ટે. ચેરમેને ટૂંક સમયમાં રીનોવેશન કામગીરી પુરી કરી વેપારીઓને જગ્યા પરત સોંપવાની ખાતરી આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ઐતિહાસિક સર લાખાજીરાજ માર્કેટ અતિ જર્જરિત બની ગઈ હોવાથી તેના રિનોવેશન માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે માર્કેટમાં કાર્યરત 50થી 55 જેટલા થડાધારકો અને વેપારીઓને ખાલી કરાવીને જ્યુબેલી શાકમાર્કેટ ખાતે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હતી. જોકે, વેપારીઓના જણાવ્યા મુજબ 70 વર્ષ જૂની જગ્યા બદલાવાથી તેમના વેપાર-ધંધા પર 80% જેટલી માઠી અસર પડી છે અને 20% જેટલી પણ આવક થતી નથી. આ કારણે વેપારીઓ માટે રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ સર લાખાજીરાજ માર્કેટ એ રાજકોટનું ઐતિહાસિક વારસો ધરાવતું માર્કેટ છે. આચારસંહિતા અને વહીવટદાર શાસનને કારણે ટેકનિકલ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો. હવે મારી પાસે દરખાસ્ત આવી ગઈ છે અને અમે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. મનપા સ્તરની તમામ કાનૂની અને ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે રિનોવેશન કામ શરૂ થાય તે દિશામાં સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસ સમય હાલ આપી શકાય તેમ નથી. પરંતુ ઝડપથી આ માર્કેટના રીનોવેશનની કામગીરી પૂર્ણ કરીને વેપારીઓને જગ્યા પરત સોંપવાની ખાતરી પણ તેમણે આપી છે.




